Site icon Revoi.in

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટઃ નવા સંસદ ભવનની 70 ટકા કામગીરી પૂર્ણ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના હેઠળ નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ઝડપથી થઈ રહ્યું છે. સરકારે લોકસભામાં તેના નિર્માણ કાર્ય વિશે માહિતી આપી હતી. સરકારે લોકસભામાં જણાવ્યું કે નવા સંસદ ભવનનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત રાજપથની પાસે વોક-વે તૈયાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં લોકોને બેસવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા ડેવલપમેન્ટ એન્ડ રિડેવલપમેન્ટ સ્કીમ હેઠળ 5 પ્રોજેક્ટ્સ લાગુ કરવામાં આવી રહ્યા છે અને નવા સંસદભવનના નિર્માણનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

લોકસભામાં શહેરી બાબતો અને ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી કૌશલ કિશોરએ જણાવ્યું હતું કે,  સેન્ટ્રલ વિસ્ટા ડેવલપમેન્ટ/રિડેવલપમેન્ટ સ્કીમ હેઠળ પ્રોજેક્ટ નવેમ્બર 2022 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. સેન્ટ્રલ વિસ્ટા એવન્યુના પુનઃવિકાસનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કોમન કેન્દ્રીય સચિવાલય ભન 1,2,3નું 17 ટકા કામ પૂર્ણ થયું છે. તેને ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વાઈસ પ્રેસિડેન્ટ એન્ક્લેવનું 24 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને જાન્યુઆરી 2023 સુધીમાં તેને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. હજુ સુધી એક્ઝિક્યુટિવ એન્ક્લેવનું કામ શરૂ થયું નથી.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં હવે સેન્ટ્રલ એવન્યુ વિસ્તારમાં 40 હજાર ચોરસ મીટર ગ્રીન એરિયા વધારવામાં આવ્યો છે. પહેલા રાજપથની બંને તરફ લગભગ 94 હજાર ચોરસ મીટર વિસ્તારમાં લાલ કાંકરી થતી હતી, હવે ત્યાં લાલ ટાઈલ્સ લગાવવામાં આવી છે. હવે રાજપથની પહોળાઈ 350 મીટર થઈ ગઈ છે, જે પહેલા ઓછી હતી. રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધી લગભગ અઢી કિલોમીટરનું અંતર છે.

સેન્ટ્રલ વિસ્ટામાં રાજપથની બંને બાજુએ હવે 16 કિમીનો વોક-વે બનાવવામાં આવ્યો છે. આ વોક-વે રાજપથની બંને બાજુએ કેનાલ સાથે બાંધવામાં આવ્યો છે. પહેલા જ્યારે પ્રવાસીઓ અથવા દિલ્હીના લોકો અહીં ફરવા આવતા હતા ત્યારે રાજપથની આસપાસ બેસવા માટે બેન્ચ પણ ન હતી, પરંતુ હવે રાજપથની બંને તરફ પ્રવાસીઓ માટે 422 બેન્ચ બનાવવામાં આવી છે.

(Photo-File)