Site icon Revoi.in

સરકારી તબીબો ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે મેડિકલ પીજીમાં 10 ટકા બેઠકો અનામત રખાશે

Social Share

અમદાવાદઃ રાજ્ય સરકાર હસ્તકની હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા જીપીએસસી દ્વારા નિમણૂંક પામેલા તબીબો વધુ અભ્યાસ કરવા માગતા હોય તો તેમના માટે સરકારી મેડિકલ કોલેજોમાં અનુસ્નાત ડિગ્રી, ડિપ્લોમાં (ડીએનબી કોર્સ, સીપીએસ કોર્ષ)માં 10 ટકા બેઠકો અનામત રાખવાનું નક્કી કર્યુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ હસ્તકની કચેરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના વર્ગ-2 તબીબી અધિકારી તરીકે ફરજ બજાવતા, જીપીએસસી નિમણૂક પામેલા ડોક્ટરો માટે સરકારી મેડિકલ કોલેજોમાં અનુસ્નાતક ડિગ્રી, ડિપ્લોમા (ડીએનબી કોર્સ, સીપીએસ કોર્સ)માં 10 ટકા બેઠકો અનામત રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનો અમલ શૈક્ષણિક વર્ષ 2022-23થી કરવાનો રહેશે. ઈન સર્વિસ ક્વોટા માટે પાત્રતા ધરાવતા ડોક્ટરો માટે આ બેઠકો પર પ્રવેશ માટે જે તે વર્ષની નીટ પીજીની પરીક્ષામાં મેળવેલા માર્કને આધારે મેરિટ બનશે.

આ ઈન સર્વિસ તબીબોને કોર્સમાં જોડાવવાના પ્રથમ દિવસથી રેસિડેન્ટ ડોક્ટર્સને મળવાપાત્ર સ્ટાઈપેન્ડ તથા અન્ય લાભો મળશે. આ કોર્સના સમયગાળાને અસાધારણ રજા ગણાશે. ઈન સર્વિસ તબીબ અધવચ્ચેથી કોર્સ છોડી જાય તો સરકારની બોન્ડ પોલિસી મુજબ આપેલા રૂ. 40 લાખના બોન્ડના 25 ટકા એટલે કે રૂ. 10 લાખ પેનલ્ટી રૂપે ભરવાના રહેશે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં વિવિધ રોગના નિષ્ણાત તબીબોની ખેંચ રહેતી હોય છે. સરકારી તબીબો વધુ અભ્યાસ કરે તો સરકારને નિષ્ણાત તબીબો મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.  સરકારી મેડિકલ કોલેજોમાં અનુસ્નાત ડિગ્રી, ડિપ્લોમાં (ડીએનબી કોર્સ, સીપીએસ કોર્ષ)માં 10 ટકા બેઠકો અનામત રખાશે.