Site icon Revoi.in

ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લીયરન્સ યોજનામાં 100 ટકા પેનલ્ટી માફીની મુદત લંબાવાઈ

Social Share

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ કલીયરન્સ સેલની પ્રોત્સાહક વળતર યોજના. 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવીને 100 ટકા પેનલ્ટી માફીનો નિર્ણય કર્યો છે. આ યોજનાનો વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી  બાકી હપતાની રકમ ભરપાઇ કર્યેથી 100 ટકા પેનલ્ટી માફી અપાશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લીયરન્સ બોર્ડની વસાહતોમાં ઘણા મકાનધારકોના હપતા બાકી છે. આવા લોકો માટે રાજ્ય સરકાર દ્વારા અગાઉ 100 ટકા પેનલ્ટી માફીની યોજના જાહેર કરવામાં આવી હતી. અરજદારો બાકીના હપતાની રકમ ભરી શકે તે માટે બાકી રકમ પર લેવામાં આવતી પેનલ્ટી માફ કરવામાં આવી છે. આ યોજનાને યોગ્ય પ્રતિસાદ મળતા રાજ્ય સરકારે પેનલ્ટી માફીની યોજનાને 30મી સપ્ટેમ્બર 2024 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જૂની યોજનાઓમાં 61,310 જેટલા બાકી રહેતા લાભાર્થીના પરિવારજનોને પણ લાભ મળી શકશે. એટલું જ નહિ, સમય-મર્યાદામાં હપતા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક 8 ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા લીધેલા આ નિર્ણયથી ગુજરાત હાઉસિંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે અને જૂના-જર્જરિત મકાનોના રિ-ડેવલપમેન્ટ માટેનો માર્ગ મોકળો બનશે. તેમજ નવા મકાનોના આયોજન હાથ ધરી શકાશે. આ ઉપરાંત મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ તેઓ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે. આના પરિણામે હાઉસિંગ બોર્ડના જૂના મકાનોનું રિ-ડેવલપમેન્‍ટ પણ હાથ ધરી શકાશે.