Site icon Revoi.in

કોંગ્રેસ લોકસભાની ચૂંટણી લડી ન શકે તે માટે પક્ષના 11 એકાઉન્ટ ફ્રીઝ કર્યા છેઃ શક્તિસિંહ ગોહિલ

Social Share

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસના 11 બેન્ક એકાઉન્ટ્સ ફ્રિઝ કરાતાં કોંગ્રેસ આર્થિક મુશ્કેલીને સામનો કરી રહી છે. કોંગ્રેસ લોકસભાની ચૂંટણી લડી ન શકે તે માટે પક્ષના 11 બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરાયા છે. દેશના કાયદાએ રાજકીય પક્ષને ઈન્કમટેકસ ભરવામાંથી મુક્તિ આપી છે. કોઈ નોટિસ આપ્યા વિના જ 7 વર્ષ પહેલા રૂપિયા 14.49 લાખ રોકડા કેમ લીધા હતા? એમ કહીને એકાઉન્ટ ફ્રીઝ કરાયા છે. તેમ ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણી લોકશાહીની ચર્ચા ચાલી રહી છે. 2014 અને 2019માં નોકરી, ખેડૂતો, કાળું નાણું, મોંઘવારી, ડોલર સામે રૂપિયો મજબૂત કરવાની ગેરંટી આપવામાં આવી હતી. આ વર્ષે જનતામાં આક્રોશ છે, એટલે જનતા તડીપાર કરશે. કોંગ્રેસને મજબૂતી માટે લોકોએ દાન આપ્યું હતું, જેનાથી અમારે ચૂંટણી લડવાની તૈયારી હતી, પરંતુ અમારા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યાં છે. કોંગ્રેસનાં ખાતાંમાંથી સીધા 115.32 કરોડ ઉપાડી લેવામાં આવ્યા છે. દેશના કાયદાએ રાજકીય પક્ષને ઈન્કમટેકસ ભરવામાંથી મુક્તિ આપી છે. આજથી 7 વર્ષ અગાઉ કોંગ્રેસને 210 કરોડનું દાન મળ્યું હતું, જેમાંથી સંસદસભ્યોએ 14.49 લાખનું રોકડ દાન આપ્યું હતું. કોંગ્રેસની જો કોઈ ભૂલ હોય તો નોટિસ આવે, કેસ થાય, પણ કંઈ ન થયું. 7 વર્ષ પછી ચૂંટણી માથા પર આવી ગઈ ત્યારે 14.49 લાખ રોકડા કેમ લીધા હતા? એમ કહી તમારું એકાઉન્ટ ફ્રીઝ કરીએ છીએ. અમારા કુલ 11 ખાતાં ફ્રીઝ કર્યાં છે અને અમને 210.25 કરોડ ભરવાનું કહ્યું છે. ભૂલના લીધે અમને 10 હજાર દંડ થવો જોઈએ, પરંતુ તેના બદલે 106 ટકા વધારે પેનલ્ટી કરવામાં આવી છે. આ વસ્તુ 2017માં કહી હોત તો અમને ન્યાય મળી ગયો હોત, પણ કોંગ્રેસ ચૂંટણી લડી ન શકે એ માટે ચૂંટણી સમયે એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા ન્યાય માટે  IT ટ્રિબ્યુનલમાં રિટ કરી છે. પરંતુ લડતાં લડતાં ચૂંટણી પૂરી થઈ જશે. પબ્લિક હૈ, સબ જાનતી હૈ…અંદર ક્યા હૈ… બહાર ક્યા હૈ…દેશની જનતા અમને વોટ આપશે એવો વિશ્વાસ છે. ભાજપ પાસે 82 અબજ 52 કરોડ રૂપિયા છે. મને વિશ્વાસ છે કે રૂપિયાની તાકાત ગમે તેટલી હોય, પરંતુ લોકો અમને મદદ કરશે. ભાજપે હાસ્યાસ્પદ નોટિસ આપી છે. 31 વર્ષના જૂના કાગળ માગવામાં આવ્યા છે. વર્ષ 93-94ના પીનલ ચાર્જ માગ્યા છે.

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપે એજન્સીઓનો દુરુપયોગ કર્યો છે. લોકોને ખબર પડે તો સત્તા જતી રહેશે. ચૂંટણી દરમિયાન હજુ ખતરનાક ખેલ ખેલશે. દેશમાં 65 ટકા લોકો ભાજપના વિરોધમાં છે. ઇન્ડિયા ગઠબંધન અને યાત્રાથી રાહુલ ગાંધી માટે લાગણી ઊભી થતાં તેઓ ડર્યા છે. ઝાલોદમાં રાહુલ ગાંધીની યાત્રામાં જગ્યા કેન્સલ કરાવી હતી. ચારેબાજુ અને 24 કલાક હેરાન કરવાના પ્રયાસ કર્યા, પરંતુ કંઈ થઈ શક્યું નથી. ડરી ગયેલો ભાજપ કોંગ્રેસને હેરાન કરે છે, તેને જનતા જોઈ રહી છે.