Site icon Revoi.in

ગુજરાતમાં નવા 14.80 લાખ મતદારો ઉમેરાયાં, 6.30 લાખ મતદારો 18થી 19 વર્ષના

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  દરમિયાન 9મી નવેમ્બરથી 15મી ડિસેમ્બર સુધી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ સમયગાળામાં નવા 14.80 લાખ મતદારો ઉમેદરાયાં હતા. જેમાં 6.30 લાખ મતદારો 18થી 19 વર્ષની વયના છે. જેઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરશે. બીજી તરફ રાજકીયપક્ષોએ પણ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મતદારોની કુલ સંખ્યા 4,61,54,897 હતા. નવા 14,80,821 મતદારોનો ઉમેરો થતાં હવે ગુજરાતમાં મતદારોની કુલ સંખ્યા 4,72,43,631 થઈ છે. જેમાં 2,45,05,452 પુરુષ મતદારો અને 4,87,36,865 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય મતદારોની સંખ્યા 1314 છે. ગુજરાતમાં આગામી દિવસોમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાશે. ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ કોરોના મહામારી વચ્ચે આ ચૂંટણી યોજાવાની હોવાથી અધિકારીઓને પણ જરૂરી આદેશ આપવામાં આવ્યાં છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે. જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે. આ ઉપરાંત ઓવૈસીએ પણ સ્થાનિક સ્વાજ્યની ચૂંટણીને લઈને છોટુ વસાવાની પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.