ગારિયાધારઃ રાજ્યમાં નાના શહેરોની નગરપાલિકાઓ રોજબરોજનો ખર્ચ પણ ઉઠાવી ન શકે તેવી હાલત જોવા મળી રહી છે. કારણે મોટાભાગની નગરપાલિકાઓ સરકારના અનુદાન પર જ નિર્ભર હોય છે. અને બાકી ટેક્સ ઉઘરાવી શકતી નથી. જેમાં નગરપાલિકાના મુખ્ય વહિવટી અધિકારી ગણાતા ચિફ ઓફિસર જ હોય તો વહિવટ ચલાવવો અઘરો બની જતો હોય છે. સૌરાષ્ટ્રમાં ગારિયાધાર નગરપાલિકાની પણ આવી જ હાલત છે. ગારિયાધાર નગરપાલિકામાં હાલમાં છેલ્લા 20 દિવસથી ચિફ ઓફિસર હાજર ન થતાં નગરપાલિકાનો વહિવટ કથળી ગયો છે. ચિફ ઓફિસર હાજર ન થતાં નગરપાલિકાના કર્મચારીઓનાં પગાર પણ હજુ થયાં નથી.એક અંદાજ મુજબ નગર પાલિકાના 150 જેટલા કર્મચારીઓનો હજુ અડધાથી પણ વધુ એપ્રિલ માસ વિતી ગયો છતાં પગારથી વંચિત છે.
ગારીયાધાર નગરપાલિકાનાં કર્મચારીઓનો પગાર તા.1 થી 10 સુધીમાં થઈ જતો હોય છે. પરંતુ તા.17 વિતી ગઈ હોવાં છતાં કર્મચારીઓનાં પગાર હજુ સુધી થયાં નથી. ગારીયાધાર નગરપાલિકામાં પાલીતાણાનાં ચિફ ઓફિસર સોલંકીને તા.27.03.23ના ચાર્જ આપવામાં આપવામાં આવ્યો હતો. પરંતુ સોલંકી ગારીયાધાર નગરપાલિકામાં હાજર નહિ થતાં ફરી તા.31.03.23 ના રોજ શિહોર નગરપાલિકાનાં ચિફ ઓફિસર બી.આર.મારકણાને ગારિયાધાર મુકવામાં આવ્યા હતા પણ ચિફ ઓફિસર મારકણા પણ હજુ સુધી હાજર થયા નથી. આમ ચિફ ઓફિસરની ખાલી જગ્યાને લીધે નગરપાલિકાનો વહિવટ કથળી રહ્યો છે.
ગારિયાધાર નગરપાલિકામાં છેલ્લા 12 વર્ષથી નબળી નેતાગીરીથી કોઇ કાયમી ચિફ ઓફિસરની નિમણૂક કરવામાં આવી નથી.માત્ર કરાર આધારિત ચિફ ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે. ગારિયાધાર નગરપાલિકામાં છેલ્લા 20 દિવસથી કોઇ ચિફ ઓફિસર હાજર ન થયા છતાં પ્રાદેશિક કમિશનર ઓફિસથી પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી પ્રાદેશિક કમિશનર દ્ધારા ગારીયાધાર નગરપાલિકામાં ચિફ ઓફિસર બાબતે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. ગારીયાધાર નગરપાલિકામાં કોઇ ચિફ ઓફિસર હાજર ન થતાં કર્મચારીઓનાં પગાર પણ હજુ થયાં નથી.