Site icon Revoi.in

ગુજરાત નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ અંતર્ગત C- ફોર્મ AMCએ રદ કરતા 150 હોસ્પિટલોને ફાયદો થશે

Social Share

અમદાવાદઃ શહેરમાં ખાનગી હોસ્પિટલોને નર્સિંગ હોમ રજિસ્ટ્રેશનના કાયદા મુજબ સી ફોર્મ અંતર્ગત પરવાનગી લેવી પડતી હતી. તેના લીધે નાની હોસ્પિટલોને ખૂબ મુશ્કેલી પડતી હતી આ અંગે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને અવાર-નવાર રજુઆતો કરવામાં આવી હતી. હવે મ્યનિ,કોર્પોરેશનના સત્તાધિશોએ નર્સિંગ હોમ અને હોસ્પિટલના રજિસ્ટ્રેશન માટે જે સી ફોર્મની જરૂરિયાત હતી તેને રદ કરી દીધી છે. શહેરની 150થી વધુ હોસ્પિટલોને સી ફોર્મ રદ થતા ફાયદો થશે. નર્સિંગ હોમને હવે ગુજરાત નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ 1949 અંતર્ગત નોંધણી નહીં કરાવવી પડે. ગુજરાત ક્લિનિકલ એસ્ટેબલિશમેન્ટ એક્ટના નિયમોનું હવે પાલન કરવાનું રહેશે. ડોક્ટરોએ રજિસ્ટ્રેશનની હવે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કોઈ પણ પ્રકારની પરવાનગી લેવાની રહેશે નહીં.

ગુજરાત નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ 1949 રદ કરવા અંગે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરવામાં આવી હતી. તેને મંજુરી આપવામાં આવી છે. નવા નિયમ મુજબ, હવે 50 બેડ હોય તેવી હોસ્પિટલને ગુજરાત ક્લિનિકલ એસ્ટેબલિશમેન્ટ એક્ટના નિયમોનું પાલન કરવાનું રહેશે. 50 કરતા ઓછા બેડ હશે એવી હોસ્પિટલ ગુમાસ્તા ધારાને આધારે દર્દીઓની સેવા કરી શકશે. સી ફોર્મ ન હોય તો વીમા કંપનીઓ મેડિકલેમના દાવા પાસ કરતી ન હતી. હવે સી ફોર્મ રદ થતા મેડિક્લેમના દાવા મેળવવામાં પણ સમસ્યા નહીં રહે. તેમજ દર્દીઓ સરળતાથી નજીકની 5થી 10 બેડની હોસ્પિટલમાં પણ સારવાર મેળવી શકશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સી ફોર્મ રજિસ્ટ્રેશન રદ કરવા અંગે AHNA અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે મળેલી બેઠકમાં આ સ્પષ્ટતા કરાઈ હતી. જેને લઈ હવે AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત લાવવામાં આવી હતી. AMCમાં ચાલુ વર્ષ 2022-23માં હોસ્પિટલ રજિસ્ટ્રેશન માટે 1125 જેટલી અરજીઓ આવી હતી. જેમાં એસ્ટેટ વિભાગના પોઝિટિવ અભિપ્રાય મુજબ 943 જેટલી અરજીઓને મંજૂર કરવામાં આવી હતી. એક્ટ મુજબ હવે ફોર્મ રદ થતાં ગુજરાત ક્લિનિકલ એસ્ટેબલિશમેન્ટ એક્ટ લાગુ પડશે. જેની જિલ્લા કલેકટર તરફથી કામગીરી કરવામાં આવશે.