Site icon Revoi.in

વરસાદને લીધે ઉકાઈ ડેમમાં 15000 ક્યુસેક પાણીની આવક, જળ સપાટી 334.62 ફૂટે પહોંચી

Social Share

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં 15 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમની સપાટી 334.62  ફુટે પહોંચી છે. જોકે હાલ માત્ર 850 ક્યુસેક પાણીની જાવક જાળવી રાખવામાં આવી છે.

સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી ઉકાઈ ડેમના કેચમેન્ટમાં વરસાદ પડી રહ્યો છે. જેના પગલે ગત રોજ 20 હજાર ક્યુસેક પાણીની આવક થઇ હતી. જ્યારે શુક્રવારે ઉકાઈ ડેમમાં 15 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સુરત અને તાપી જિલ્લામાં બે દિવસથી વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની જાવક ઘટાડી દેવામાં આવી છે. હાલ ઉકાઈ ડેમમાં માત્ર 850 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ગત છ સપ્ટેમ્બરના રોજ ઉકાઇ ડેમની સપાટી 338.02 ફુટ હતી અને શુક્રવારે સપાટી 334.62 ફુટે પહોચી હતી.  ડેમની જળ સપાટી ગત 2022 કરતા સાડા ત્રણ ફુટ જ ઓછી છે. ઉકાઇ ડેમનું સપ્ટેમ્બર મહિનાનું રૂલલેવલ 340 ફુટ છે. આથી ઉકાઇ ડેમના મેન્યુઅલ મુજબ આ સપાટીને ક્રોસ કરીને વધુ પાણી ભરી શકાય તેમ નથી. આથી જ તો ગત વર્ષે પાણી દરિયામાં છોડી દઇને સપાટી અને રૂલલેવલ મેઇન્ટેઇન રાખવા પડ્યા હતા જ્યારે આ વર્ષે ઉલટું જોવા મળી રહ્યુ છે.

સૂત્રોએ ઉમેર્યું હતુ કે ગત વર્ષ કરતાં આ વર્ષે ઉકાઈ ડેમ ઓછો ભરાયો છે અને ખેતીપાક માટે પાણી આપવું જરૂરી હોવાથી દરરોજનું સાત હજાર ક્યુસેક પાણી ઉકાઇ જમણાં અને ડાબા કાંઠામાં આપવામાં આવી રહ્યું હતું. તેથી સપાટી ઘટી રહી હતી. પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષે આજદિન સુધીની ઉકાઇ ડેમની સપાટીની તુલનામાં જે સાડા ત્રણ ફુટનો ફરક છે. તે ફરક તો વરસાદના એક જ રાઉન્ડમાં સરભર થઇ જશે. ખેડૂતો કે શહેરીજનોએ હાલ ચિંતા કરવા જેવુ નથી. છેલ્લા બે દિવસથી ઉકાઈ ડેમના કેચમેન્ટમાં વરસાદ પડી રહ્યો છે. જેના પગલે ગત રોજ 20 હજાર ક્યુસેક પાણીની આવક થઇ હતી. જ્યારે આજે ઉકાઈ ડેમમાં 15 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.