Site icon Revoi.in

પૂર્વીય લદ્દાખ વિવાદ મામલે ભારત અને ચીન વચ્ચે યોજાશે 16મા રાઉન્ડની વાર્તા, સૈનિકોને હટાવવા મામલે થઈ શકે છે ચર્ચા

Social Share

દિલ્હીઃ– વર્ષ 2020ના એપ્રિલ મહિનાની શરુઆતથી ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે, ભારત અને ચીનની સેનાના કોર્પ્સ કમાન્ડરો વચ્ચે 16મો રાઉન્ડ મંત્રણા 17 જુલાઈએ યોજાશે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય ક્ષેત્રમાં આ વાતચીત 11 માર્ચ પછી થશે. ભારતીય પક્ષનું નેતૃત્વ 14મી કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એ સેનગુપ્તા કરશે, જ્યારે ચીનના પક્ષનું નેતૃત્વ દક્ષિણ તિબેટ લશ્કરી જિલ્લાના વડા મેજર જનરલ યાંગ લિન કરશે.

સેના વચ્ચે 11 માર્ચના રોજ અંતિમ તબક્કાની વાતચીત થઈ હતી. વાતચીતના નવા રાઉન્ડમાં, ભારતીય પક્ષ ડેપસાંગ બલ્ગે અને ડેમચોકમાં મુદ્દાઓનું નિરાકરણ લાવવાની સાથે સાથે સંઘર્ષના બાકીના તમામ સ્થળોએથી વહેલી તકે સૈનિકો પાછા ખેંચવા માટે દબાણ કરે તેવી અપેક્ષા છે.

એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ વાતચીતમાં સૈનિકોને હટાવવા પર નક્કર વાતચીત થશે. ખાસ કરીને, ગાલવાન વેલી, હોટ સ્પ્રિંગ, પેંગોંગ ત્સે સિવાય, બંને પક્ષો ડેપસાંગ અને ડેમચોક પર પણ વાત કરી શકે છે. 

ઉલ્લેખનીય છે કે આ બેઠક ત્યારે યોજાઈ રહી છે કે જ્યારે ગયા અઠવાડિયે G20 બેઠકમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ બાલીમાં મળ્યા હતા. બંને મંત્રીઓએ પરસ્પર સંબંધો સુધારવા પર ભાર મૂક્યો હતો. હાલમાં બંને દેશોના 50 હજારથી વધુ સૈનિકો પૂર્વ લદ્દાખમાં તૈનાત છે.