Site icon Revoi.in

સરકારી વાહનો માટે અઢી લાખ કિ.મી અને 10 વર્ષની મર્યાદા નક્કી કરાઈ, ટાયર 40 હજાર કિ.મી ચલાવવા પડશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી વાહનો હવે મોટાભાગે કોન્ટ્રક્ટથી લેવામાં આવે છે. પણ કેટલાક વિભાગોમાં સરકારી વાહનોની ફરજિયાત જરૂર પડતી હોય છે. સરકારી વાહનોની સંખ્યા હજારોની સંખ્યામાં છે. હવે સરકારે સરકારી વાહનોના નિકાલની સમયમર્યાદામાં વધારો કર્યો છે. આ વધારો કરવાનું મુખ્ય કારણ વાહન ઉત્પાદન કંપનીઓ દ્વારા એન્જીન ક્ષમતા અને અન્ય આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ છે. એ ઉપરાંત રાજ્યમાં માર્ગોની સુધરેલી સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવી છે.

રાજ્યના બંદર અને વાહન વ્યવહાર વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલી સૂચના પ્રમાણે સરકારી વાહનના કિલોમીટર તેમજ ટાયરની ક્ષમતા પ્રમાણે તેની મર્યાદા વધારવામાં આવી છે. લાઇટ ટ્રાન્સપોર્ટ વ્હિકલને સ્ક્રેપ કરવાની મર્યાદા અગાઉ બે લાખ કિલોમીટર અથવા 10 વર્ષની હતી તે વધારીને અઢી લાખ અથવા વધુમાં વધુ 10 વર્ષની નિયત કરવામાં આવી છે. એવી જ રીતે વાહનોના ટાયર પહેલાં 32000 કિલોમીટરે બદલવામાં આવતા હતા પરંતુ હવે નવી મર્યાદા પ્રમાણે 40000 કિલોમીટર પછી બદલવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે વાહને બે લાખ કિલોમીટર પુરાં કર્યા હોય પરંતુ 10 વર્ષ થયાં ન હોય તો પણ તેવા વાહનો સબંધિત વિભાગો રદબાતલ કરી શકશે તેવી જોગવાઇ હતી પરંતુ હવે જે વાહને અઢી લાખ કિલોમીટર પુરાં કરે પરંતુ ખરીદીના 10 વર્ષ થતાં ન હોય અથવા ખરીદીના 10 વર્ષ પુરાં કર્યા હોય પરંતુ અઢી લાખ કિલોમીટર પુરાં થયાં ન હોય તેવા વાહનો રદબાતલ કરી શકાશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઇપણ સરકારી વાહન રદબાતલ કરવાનું થાય ત્યારે નર્મદા-જળસંપત્તિ અથવા માર્ગ મકાન વિભાગમાં યાંત્રિક વિભાગના અધિક્ષક ઇજનેર (મિકેનિક ડિવિઝનલ સુપ્રિટેન્ડીંગ એન્જીનિયર) નો અભિપ્રાય મેળવવાનો રહેશે. કોઇપણ સરકારી કચેરીએ પહેલાં 60 દિવસમાં વાહનનો નિકાલ કરવાનો રહેતો હતો પરંતુ હવે તેની મર્યાદા 90 દિવસની કરવામાં આવી છે. વાહન નિકાલની મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય વાહન વ્યવહાર કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી સમિતિની ભલામણો પ્રમાણે કરવામાં આવ્યો છે. આ સમિતિએ એવી પણ ભલામણ કરી હતી કે વાહનની ક્વોલિટીની સાથે રાજ્યમાં માર્ગોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો હોવાના મુદ્દાને પણ ધ્યાને લેવામાં આવ્યો છે અને તે પ્રમાણે આયુમર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.