Site icon Revoi.in

પાટણની રાણકીવાવ વર્ષમાં અઢી લાખ મુલાકાતીઓએ નિહાળી, રૂપિયા 1.01 કરોડની આવક થઈ

Social Share

પાટણઃ શહેરની વિશ્વ વિરાસત એવી રાણીની વાવ આજે વિશ્વનાં નકશા પર ચમકી રહી છે.  વિશ્વ પ્રસિદ્ધ આરક્ષિત સ્થાપત્યનાં દર્શન, અભ્યાસ અને  રાણીની વાવની મુલાકાતે અસંખ્ય ભારતીયો અને વિદેશી પર્યટકો આવી રહ્યા છે. જેનાં કારણે આ રાણીની વાવ સંકુલ સતત ભર્યુ ભાદર્યું અને ચહલ પહલથી સતત ગુંજતું બન્યુ છે.  2021માં રાણીની વાવની મુલાકાતે 2 લાખ 51 હજાર 975 પ્રવાસીઓ આવ્યા હતા. જેમાં ભારતીય અને વિદેશી પ્રવાસીઓ મળી કુલ રૂ.1.01 કરોડની આવક પણ થઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ શહેરમાં આવેલા ભવ્ય અને ઐતિહાસિક યુનેસ્કોની યાદીમાં સમાવિષ્ટ રાણીની વાવ દેશ અને વિદેશી પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે આ ભવ્ય ઐતિહાસિક વારસાને નિહાળવા માટે હજારો પ્રવાસીઓ રાણીની વાવની મુલાકાતે આવે છે. જેથી પુરાત્વ વિભાગોની તિજોરીને કરોડો રૂપિયાની આવક થાય છે. 2021માં પણ એક વર્ષમાં રૂ.1.01 કરોડની આવક થઈ હતી. ગત 1 જાન્યુઆરી થી 31મી ડિસે.2021 સુધીમાં 2 લાખ 51 હજાર 831 ભારતીય પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લેતા એક પ્રવાસીદીઠ રૂ.40ના ટિકિટના દર મુજબ વર્ષે રૂ.1 કરોડ 73 હજાર 240ની આવક થઈ હતી. જ્યારે વિદેશી નાગરિક માટે ટિકીટનો દર  રૂ.600 રાખવામાં આવ્યો છે. ત્યારે વર્ષે 144 પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લેતા કુલ રૂ.86 હજાર 400ની આવક થઈ હતી. આમ છેલ્લા એક વર્ષમાં કુલ 2 લાખ 51 હજાર 975 પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લેતા કુલ રૂ.1 કરોડ 1 લાખ 59 હજાર 640ની આવક થઈ હતી .

ગત વર્ષે 2019માં વૈશ્વિક કોરોનાની મહામારીની પ્રથમ લહેરમાં આપવામાં આવેલા લોકડાઉન અને બીજી લહેર લોકો માટે ભયાનક બની રહેતા આ ઐતિહાસિક ધરોહરને નિહાળવા માટે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો હતો, પરંતુ બીજી લહેર બાદ પ્રવાસીઓની આવક વધી હતી.(file photo)