Site icon Revoi.in

મોરબી જિલ્લામાં અકસ્માતના 2 બનાવ, કાર પલટી જતાં બેના મોત, બાઈક અકસ્માતે એકનો ભોગ લીધો

Social Share

મોરબીઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ બે અકસ્માતોના બનાવોમાં ત્રણના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ પડધરી રોડ પર બન્યો હતો પૂરફાટ ઝડપે કારે પલટી મારતા બેના મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માતોને બીજો બનાવ વાંકાનેરના માટેલધામ મંદિરે દર્શન કરી પરત ફરતી વેળા ડબલ સવારી બાઈકને ઢુવા નજીક ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઈકચાલક યુવાનને ઈજા પહોંચી હતી તો પાછળ બેસેલા યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું.

પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  પડધરી રોડ પર કારે અચાનક પલટી મારતા બે સગ્ગા ભાઈના મોત થયા હતો, બપોરના સમયે નેકનાંમથી પડધરી તરફ જઈ રહેલી કારે અચાનક પલટી મારતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બપોરના સમયે પડધરી રોડ પર અચાનક કારે પલટી મારતા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા,કારમાંથી બન્ને યુવકોને લોકો બહાર કાઢે તે પહેલા જ તેમના મોત થયા હતા.અચાનક કારે કઈ રીતે પલટી મારી તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા પણ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. મૃતક યુવાનો બન્ને સગાભાઈ હોવાનું જાણવા મળ્યું છે.

બીજો અકસ્માતનો બનાવ વાંકાનેરના માટેલ ધામ મંદિરે દર્શન કરી પરત ફરતી વેળા ડબલ સવારી બાઈકને ઢુવા નજીક ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક યુવાનને ઈજા પહોંચી હતી તો પાછળ બેસેલા યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પર મૂકી ચાલક નાસી ગયો હતો. જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મોરબીમાં રહેતા પૃથ્વી પરમારે ડમ્પરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી તેમજ તેના મિત્ર રોહિત ઝાલા, રોહન નઈયા અને વરુણ ઉર્ફે મીતુ વાઘેલા માટેલ ખોડીયાર માતાજીના દર્શન કરવા માટે ગયા હતા. ફરિયાદીએ બે બાઈકમાં ચાર મિત્ર માટેલ દર્શન કરવા ગયા હતા. મોરબી ઘરે આવવા નીકળ્યા ત્યારે ફરિયાદી પોતાનું બાઈક ચલાવતો હતો અને પાછળ રોહિત બેઠો હતો. ઢુવા ઓવરબ્રિજ પાસે પહોંચતા ડમ્પરચાલકે ફૂલસ્પીડમાં એકદમ ડિવાઈડર બ્રેકમાંથી રોંગ સાઈડમાં પોતાનું વાહન લેતાં બાઈક ડમ્પરના પાછળના વ્હીલમાં અથડાયું હતું. જેથી ફરિયાદી પૃથ્વી પરમાર રોડ પર પડી ગયો હતો અને રોહિત વ્હીલ નીચે આવી જતાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં રોહિત ઝાલાને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચી હોય રોહિતનં મોત થયું હતું. વાંકાનેર તાલુકા પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.