Site icon Revoi.in

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે બનાવવામાં 20 લાખ ક્યુબિક મીટર કચરાનો ઉપયોગ કરાયો

Social Share

અમદાવાદઃ મોટા શહેરોમાં રોબરોજ એકત્ર કરાતા કચરાના નિકાલની મોટી સમસ્યા હોય છે. અમદાવાદ શહેરમાં પિરાણા નજીક એકત્ર કરાયેલા કચરાના મોટા ડુંગરો ઊભા થઈ ગયા છે. કચરાના નિકાલ માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. ત્યારે કચરામાંથી કંચન પ્રાપ્ત થાય તેમ કચરાનો હાઈવે બનાવવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ-ધોલેરા વચ્ચે બંધાઇ રહેલાં 109 કિ.મી લાંબા એક્સપ્રેસ-વેના નિર્માણ કાર્યમાં કચરાનો ઉપયોગ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી ધોલેરા-સર (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન) વચ્ચેનો આ એક્સપ્રેસ-વેનો પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, અને આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ અમદાવાદથી ધોલેરા અને ભાવનગરથી ધોલેરા અવર-જવર કરનારા લોકોની મુસાફરી પહેલાં કરતાં વધુ સરળ બની જશે.

નેશનલ હાઇવે ઓથોરિટિ ઓફ ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ-ધોલેરા વચ્ચે હાઈવેના નિર્માણ કાર્ય માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી 20 લાખ ક્યુબિક મીટર ઘન કચરો મળ્યો છે. અને થર્મલ પાવર પ્લાન્ટ (તાપ વિદ્યુત મથકો) તરફથી 25 લાખ ટન ફ્લાય એશ (વપરાયેલી કોલસી) મળી છે. જેનો ઉપયોગ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે બાંધવામાં કરવામાં આવ્યો છે. રોડના બાંધકામમાં ફ્લાય એશ મજબૂત લેયર (સ્તર) બાંધવા માટે જાણીતી છે, તેથી એક્સપ્રેસ-વેમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ તમામ મટિરિયલનો ઉપયોગ કરીને અમદાવાદ શહેરનો ઘન કચરો ઘટાડી રહ્યા છીએ અને પીરાણા ડમ્પિંગ યાર્ડનો રસ્તો સાફ કરી રહ્યા છીએ.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવિટિ ધરાવતો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનો પ્રોજેક્ટ 2021ના વર્ષના ચોથા ત્રિમાસિકગાળા દરમિયાન શરૂ થયો હતો અને જાન્યુઆરી-2024 સુધી પૂરો થઇ જવાની ધારણા હતી પરંતુ ગત વર્ષે થયેલા ભારે વરસાદના પગલે આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ પડ્યો હતો તેથી હવે તે ઓગસ્ટ-2024 સુધીમાં પૂરો થાય એવી શક્યતા છે. જો કે આ પ્રોજેક્ટનો સનાથલથી સિંધરેજ સુધીનો પહેલો તબક્કો માર્ચ-2024 સુધીમાં પૂરો થઇ જવાની સંપૂર્ણ શક્યતા જોવાઇ રહી છે. આ પ્રોજેક્ટના વિવિધ સ્ટ્રક્ચર ઉભા કરવા 10 જેટલી મંજૂરી લેવાની હતી. જે કેન્દ્ર અને રાજ્ય સરકારે ખૂબ ઝડપથી આપી દીધી હતી. જેના પગલે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનું કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ ફોર લેન એક્સપ્રેસ-વેનું 41 ટકા કામ પૂર્ણ કરી નાંખ્યું છે. ફોર લેન એક્સપ્રેસવેને 8 લેનનો બનાવવા આ પ્રોજેક્ટની જમીનનો ઉપયોગ કરાશે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ઉપર મહત્તમ સ્પિડ પ્રતિ કલાક 120 કિ.મીની રહેશે. આ ફોર લેન એક્સપ્રેસવેમાં બે ટોલ પ્લાઝા અને બે રિફ્રેશમેન્ટ સ્પોટ ઉભા કરવામાં આવશે.