Site icon Revoi.in

તાઈવાનમાં ઘૂસ્યા ચીનના 32 યુદ્ધવિમાનો, નૌસૈન્ય જહાજની તહેનાતી બાદ વધ્યો તણાવ

Social Share

તાઈપે: તાઈવાનમાં ચીનના 32 યુદ્ધવિમાનો ઘૂસ્યા, નૌસૈન્ય જહાજની પણ ચીને કરી તહેનાતી,  શું કરવા જઈ રહ્યું છે તાઈવાનમાં ચીન? હવે વાત કરીશું ચીનના બદઈરાદાઓની. યુક્રેન રશિયા યુદ્ધ, ઈઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે હવે ચીનની તાઈવાનમાં આક્રમક હરકતે વિશ્વનો જીવ અધ્ધરતાલ કર્યો છે.

ચીન અને તાઈવાન વચ્ચે ફરી એકવાર તણાવ વધતો દેખાય રહ્યો છે. તાઈવાને ગુરુવારે દાવો કર્યો છે કે ડઝનબંધ ચીની યુદ્ધવિમાનો તેના વાયુક્ષેત્રમાં ઘૂસી આવ્યા. તાઈવાની સેનાએ કહ્યું છે કે 24 કલાકની અંદર ઓછામાં ઓછા 32 ચીની યુદ્ધવિમાનો તેના ક્ષેત્રમાં જોવા મળ્યા છે. આ વર્ષે તાઈવાનના વાયુક્ષેત્રમાં ચીની ઘૂસણખોરીની આ બીજી સૌથી મોટી ઘટના છે. આ વર્ષે જાન્યુઆરીના આખરમાં તાઈવાનની આસપાસ 33 ચીની યુદ્ધવિમાનો જોવા મળ્યા હતા. હવે ફરી એકવાર ચીનની ઉશ્કેરણીજનક હરકત જોવા મળી છે.

તાઈવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે ચીનના સૈન્ય વિમાનો સિવાય પાંચ નૌસૈન્ય જહાજો પણ આસપાસમાં જ સંચાલિત થઈ રહ્યા છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ છે કે 13 વિમાનોએ તાઈવાનની ખાડીની મધ્યરેખા પાર કરી છે. ચીનની આ હરકત પર તાઈવાન પણ એક્શન મોડમાં છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાઈવાનની સેના સ્થિતિનું આકરું મોનિટરિંગ કરી રહી છે. તેમણે કહ્યુ છે કે ચીનની ગતિવિધિઓના જવાબમાં વિમાન, નૌસૈન્ય જહાજો અને તટીય મિસાઈલ સિસ્ટમને તહેનાત કરી દેવામાં આવી છે.

આ ઘટના ચીન અને તાઈવાન વચ્ચે વધતા તણાવને દર્શાવે છે. 1949માં ગૃહ યુદ્ધ દરમિયાન તાઈવાન ચીનથી અલગ થયું હતું. પરંતુ ચીન બે કરોડથી વધુ વસ્તી ધરાવતા આ ટાપુને પોતાનું ક્ષેત્ર માની રહ્યું છે. તે સૈન્ય દળો દ્વારા તેને પોતાના નિયંત્રણમાં કરવાની ધમકી આપતું રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં તાઈવાનની ચૂંટણીઓ દરમિયાન ચીને 33 વિમાનો તેના વાયુક્ષેત્રમાં મોકલ્યા હતા. 13 જાન્યુઆરીએ રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં લાઈ ચિંગ-તેની જીતથી ચીન ભડક્યું હતું. ચીન લાઈ ચિંગ-તેને નાપસંદ કરે છે.

ગત મહિને તાઈવાને કહ્યું હતું કે તેની આસપાસ 11 ચીની નૌસૈન્ય જહાજો હોવાનું ઉજાગર થયું છે. તેના સિવાય માછલી પકડનારી બોટની ઘાતક ઘટનાને લઈને તાઈપે અને બીજિંગ વચ્ચે વિવાદ વધી રહ્યો છે. ચાર લોકોને લઈ જઈ રહેલી ચીનની સ્પીડ બોટ 14 ફેબ્રુઆરીએ તાઈવાનના કિનમેન ટાપુની પાસે તાઈવાની તટરક્ષક દ્વારા પીછો કરવા દરમિયાન પલટી ગઈ હતી, તેમાં બે લોકોના મોત નીપજ્યા હતા અને અન્ય બે લોકો બચી ગયા હતા.

તેના પછી કિનમેન ટાપુની પાસે ચીન દ્વારા એક પર્યટક બોટને રોકવામાં આવી હતી. તેના પર તાઈવાને વિરોધ કરતા તણાવ વધ્યો હતો. કિનમેન ટાપુ ચીનના સમુદ્રીતટથી થોડાક અંતરે છે, પરંતુ તેના પર તાઈવાનનો કબજો છે. તાઈવાનના મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છેકે 11 ક્રૂ મેમ્બર્સ અને 23 પ્રવાસીઓને લઈ જઈ રહેલી બોટ કિંગ જિયાને ચીની તટરક્ષક દળે સોમવારે લગભગ 32 મિનિટ રોકી રાખી હતી. બાદમાં તાઈવાનના તટરક્ષક બોટને પાછી કિનમેન લઈ આવ્યા.