Site icon Revoi.in

તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં કોંગ્રેસ વિરોધી પ્રવૃતિ કરતાં 34 સભ્યો પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ

Social Share

અમદાવાદ:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તાલુકા પંચાયતોમાં પ્રમુખ. ઉપ પ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થતાં નવી નિમણૂકો માટેની ચૂંટણીમાં કોંગ્રસ પક્ષના મેન્ડેટનો અનાદર કરીને પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા 34 સભ્યો સામે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આકરા પગલાં લીધા છે. તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 34 સભ્યોને 6 વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અશિસ્ત દાખવનારા તાલુકા પંચાયતોના 34 સભ્યોને પક્ષમાંથી હાંકી કાઢીને હવે અશિસ્ત ચલાવી નહીં લેવાય એવો સંદેશો પણ કાર્યકરોને આપી દેવામાં આવ્યા છે. વિવિધ તાલુકા પંચાયતોમાં પક્ષ વિરોધી મતદાન કરનારા સામે કોંગ્રેસનું કડક વલણ અપનાવ્યું છે. જેમાં ક્રોસ વોટિંગ કરનારા 34 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાનમાં ગેરહાજર રહેનારા 9 સભ્યોને નોટીસ ફટકારી છે.

તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીમાં કેટલાક તાલુકાઓમાં કોંગ્રેસ પાસે બહુમતી હોવા છતાંયે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ લોભ-લાલચમાં આવીને ક્રોસ વોટિંગ કરતા ભાજપની જીત થઈ હતી. જ્યારે કેટલાક સ્થળોએ પોલીસ દ્વારા જ કોંગ્રેસના સભ્યોને ઉઠાવી જવાના બનાવો પણ બન્યા હતા. જ્યારે કોંગ્રેસના કેટલાક સભ્યો તો ચૂંટણી ટાણે જ જાણી જોઈને ગેરહાજર રહીને ભાજપને લાભ પહોચાડ્યો હતો. આથી મતદાનમાં ગેરહાજર રહેનારા 9 સભ્યોને કોંગ્રેસે નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. જેમાં ગારિયાધાર, કલોલ, અબડાસા, લખતર, સરસ્વતી, સિદ્ધપુર, વિસનગર, નડિયાદ, માતર અને મહુવાના સભ્યોને  નોટિસ  ફટકારાઈ છે. જ્યારે પક્ષ વિરોધમાં મતદાન કરતાં 34 સભ્યોને 6 વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કર્યા છે.

Exit mobile version