ગાંધીનગરઃ ગુજરાતના નાના શહેરોમાં જાહેર પરિવહન સેવા કાર્યરત કરવા માટે મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના અંતર્ગત બસની ફાળવણી કરવામાં આવતા હોય છે. તાજેતરમાં આ યોજના અંતર્ગત વિવિધ નગરપાલિકાઓને બલની ફાળવણી કરવામાં આવી રહી છે. જેમાં કચ્છના ગાંધીધામને 13 બસ અને બોટાદને 22 બસ ફાળવવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં ગાંધીધામ અને બોટાદનો સારોએવો વિકીસ થયો છે. ઉપરાંત વસતીમાં પણ વધારો થયો છે. અને બન્ને શહેરોના સીમાડા સુધી વસાહતો ઊભી થઈ ગઈ છે, ત્યારે શહેરીજનોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સિટીબસ આશિર્વાદરૂપ બની રહેશે,
ગુજરાતના શહેરોમાં સુદઢ શહેરી પરિવહન વ્યવસ્થા ગોઠવવા માટે રાજય સરકાર દ્વારા 1 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોની ‘અ’ વર્ગની તમામ નગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજનાનો લાભ આપવામાં આવે છે. આ લાભ અંતર્ગત રાજય સરકારે ગાંધીધામમાં 13 બસ અને બોટાદમાં 22 બસ મળીને કુલ 35 બસનું સંચાલન કરવાની મંજૂરી આપી છે. રાજયમાં મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના વર્ષ 2018થી શરૂ કરવામાં આવી છે. તેમજ 8 મ્યુનિ.કોર્પોરેશન અને 1 લાખથી વધુની વસ્તી ધરાવતી ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 2864 શહેરી બસ ઉમેરવાના લક્ષ્ય સામે અત્યાર સુધીમાં 1250 બસ ઉમેરવામાં આવી છે. જે પ્રમાણે 5 મહાનગરપાલિકામાં 382 ઇલેકટ્રીક બસ અ્ને 785 સીએનજી બસ મળીને કુલ 1167 બસ થતા 7 નગરપાલિકાઓને 83 સીએનજી બસ ફાળવાઈ હતી. ગુજરાતમાં એકલાખથી વધુ વસતી ધરાવતા શહેરોની સંખ્યા વધતી જાય છે. બોટાદ અને ગાંધીધામને સિટીબસ સેવા લાભદાયક નિવડશે.