Site icon Revoi.in

ઉત્તર કાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને 17 દિવસે બહાર કઢાયા, PMએ રેસ્ક્યુ ટીમને બીરદાવી

Social Share

દહેરાદૂનઃ ઉત્તરાખંડના ઉત્તરરાશીમાં સિલ્કયારા ખાતે નિર્માણાધીન સુરંગમાં ગત તા. 12મી નવેમ્બરે એટલે કે દિવાળીના દિવસે માટી ધસી પડતા 41 મજૂરો ફસાઇ ગયા હતા. દેશ અને દુનિયામાં દિવાળી મહોત્સવ ઉજવાઇ રહયો હતો ત્યારે ટનલમાં ફસાયેલા મજૂરો જીવન અને મોત સામે લડી રહ્યા હતા. આ ઘટનાના 16 દિવસ બાદ 41 શ્રમિકોને રેસ્કયૂ ઓપરેશન દ્વારા સલામત બહાર કાઢવામાં આવ્યા છે. શ્રમિકો 17માં દિવસે મોત સામે ઝઝૂમીને સહી સલામત ટનલની બહાર આવતા ભાવુક દ્વષ્યો સર્જાયા હતા. રેસ્કયૂ ઓપરેશન સફળ બનાવવા માટે વિદેશી નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી હતી.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂઆતથી જ ઓપરેશન પર સતત નજર રાખવામાં આવી રહી હતી, ત્યારે શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા અંગે PM મોદીએ ખુશી વ્યક્ત કરતા શ્રમિકોના સાહસ અને ધૈર્ય તેમજ રેસ્ક્યૂ ટીમની અથાગ મહેનતને બિરદાવી છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકો માટે મંગળવારે બહાર કાઢવામાં આવ્યા હતા, જેને પગલે પરિવારજનો ઉપરાંત દેશભરમાં હર્ષોલ્લાસ છવાયો છે. NDRF, SDRF, સેના, ઉત્તરાખંડ પોલીસ, વહિવટી તંત્ર સહિતની ટીમ દ્વારા અથાગ મહેનત બાદ શ્રમિકોને નવજીવન મળ્યું છે.  ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ  ટનલ પાસે સતત ઉપસ્થિત રહેવા ઉપરાંત તમામ શ્રમિકોનું સ્વાગત પણ કર્યું હતું. તેમણે 41 શ્રમિકોને  આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. જેમાં શ્રમિકોને 1 લાખ રૂપિયા સહાયતા રકમ આપવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત મુખ્યમંત્રીએ શ્રમિકોને યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવા NHIDCLને પણ આદેશ આપ્યો છે. ધામીએ ટનલની બહાર બાબા બૌખનાગનું મંદિર સ્થાપવાની પણ જાહેરાત કરી હતી.

દિવાળીના દિવસે જ્યારે આખો દેશ રોશનીથી ઝળહળી રહ્યો હતો, ત્યારે 41 મજૂરો અંધારી સુરંગમાં ફસાયેલા હતા. આ મજૂરો ચાર ધામ માટે નવો રસ્તો બનાવી રહ્યા હતા. ઉત્તરકાશીના સિલ્ક્યારા-ડંડલગાંવ ટનલનો એક ભાગ અચાનક તૂટી પડતા 41 કામદારો ટનલમાં ફસાયા હતા. બચાવ એજન્સીઓએ કામદારોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. એક યોજના નિષ્ફળ જતાં બીજી યોજના પર કામ શરૂ થયું. ક્યારેક સુરંગના મુખમાંથી તો ક્યારેક પર્વતની ટોચ પરથી ખોદીને કામદારોને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. 12મી નવેમ્બરે સવારે 5.30 વાગ્યાથી એટલે કે લગભગ 400 કલાક બાદ પ્રથમ મજૂરને મંગળવારે સાંજે 7.50 વાગ્યે બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રે 8.35 કલાકે 45 મિનિટ પછી બધાને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

રેસ્ક્યુ ટીમના સભ્ય હરપાલ સિંહે જણાવ્યું હતું કે પ્રથમ બ્રેક થ્રુ સાંજે 7.05 વાગ્યે મળી આવ્યો હતો. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બહાર નીકાળેલા કામદારો સાથે વાત કરી હતી. કેન્દ્રીય મંત્રી વીકે સિંહ પણ તેમની સાથે હતા. રેટ સ્નેપર્સ કંપની નવયુગના મેન્યુઅલ ડ્રિલર નસીમે કહ્યું – તમામ કામદારો સ્વસ્થ છે. મેં તેમની સાથે સેલ્ફી લીધી. તેમણે કહ્યું કે જ્યારે છેલ્લો પથ્થર હટાવવામાં આવ્યો ત્યારે બધાએ ખુશી વ્યક્ત કરી.