Site icon Revoi.in

ગોંડલમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદઃ રાજ્યના 61 તાલુકામાં વરસાદી માહોલ

Social Share

રાજકોટઃ  રાજ્યમાં ચોમાસું હવે ધીમે ધીમે ફરી જામી રહ્યું છે. આજે દિવસ દરમિયાન સાંજ સુધીમાં 61 જેટલા તાલુકામાં ઝાપટાંથી લઈને ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં ગોંડલમાં ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટમાં પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં મોરબી હાઇવે, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, ઈન્દિરા સર્કલ અને રૈયા રોડ સહિતના વિસ્તારોમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગોંડલ પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યાં 4 કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયાં હતાં. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજથી 3 દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ બપોરે 12 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. શહેરના જંક્શન, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો શહેરના અનેક વિસ્તારો એવા છે, જ્યાં હજુ તડકો જોવા મળી રહ્યો છે. જોકે અહીં પણ સાંજ સુધીમાં મેઘરાજા મંડાય જાય તેવી આશા સૌ રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

રાજકોટમાં હજુ ઘણા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. એ વિસ્તારના સ્થાનિકો હજી પણ ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યા છે. 3 દિવસની આગાહીને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે. રાજકોટ જિલ્લામાં વાવણી બાદ વરસાદ ખેંચાતાં કપાસ, મગફળી, મગ, અડદ, મકાઈ સહિતના પાકો સુકાવા લાગ્યા છે. ત્યારે વરસાદની આગાહીને લઇને ખેડૂતોમાં પાક બચી જશે તેવી આશા જાગી છે.