Site icon Revoi.in

બોટાદના તળાવમાં નહાવા પડેલા 5 તરૂણોના ડૂબી જતા મોત, એક તરૂણના પિતાને હાર્ટએટેક આવ્યો

Social Share

બોટાદ: શહેરના કૃષ્ણ સાગર તળાવમાં ગરમીને લીધે નહાવા ગયેલા પાંચ તરૂણોના ડૂબી જતાં મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ઘટનનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં તળાવ નજીક એકત્ર થયા હતા.

આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે,  બોટાદના સાળંગપુર રોડ પર આવેલા મહમદનગર-1માં રહેતા અહેમદ ઉર્ફે ભાવેશ આમીનભાઈ વઢવાણીયા (ઉ,વ.16), અને તેનો ભાઈ  અસત ઉર્ફે રૂમિત આમિનભાઈ વઢવાણીયા (ઉ,વ.13), બપોરના સમયે કૃષ્ણસાગર તળાવ ખાતે ફરવા ગયા ત્યારે બન્ને ભાઈ કૃષ્ણસાગર તળાવમાં નહાવા માટે પડ્યા હતા. ત્યારે ઊંડા પાણીમાં ડુબવા લાગતા એક પછી એક જુનેદ અલ્તાફભાઈ કાઝી (ઉ.વ.17, રહે, મહમદનગર-1 સાળંગપુર રોડ બોટાદ), ફૈઝાન નાઝીરભાઈ, (ઉ.વ.16) અસદ આરીફભાઈ ખંભાતી (ઉ.વ.17) સહિતના ત્રણ ડુબી રહેલા બન્ને તરૂણોને બચાવવા માટે પડ્યા હતા. અને પાંચેય તરૂણોના ડુબી જવાથી મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા પોલીસને ઘટનાની જાણકારી આપી હતી.  એસપી સહિતનો પોલીસ કાફલો બોટાદના કૃષ્ણ સાગર તળાવ પાસે પહોંચી ગયો હતો, પાંચેય તરૂણોના મૃતદેહો તળાવમાંથી બહાર કઢાયા બાદ પીએમ માટે બાટાદની સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. બોટાદમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ ઘટનામાં તરૂણો ગરમીને લીધે ઠંડક મેળવવા માટે તળાવમાં નહાવા માટે ગયા હતા. તળાવમાં નહાવા પર પ્રતિબંધ હોવા છતાં ઘણા યુવાનો નહાવા માટે તળાવમાં પડતા હોય છે.

આ ઘટનામાં બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર રહતો જુનેદ અલ્તાફભાઈ કાજી (ઉ.વ. 17) નું પણ મોત નિપજ્યું હતું. દીકરાના મોતના સમાચાર બપોરે પરિવાર પાસે પહોંચ્યા હતા. એકના એક પુત્રનું મોત થતા જ જુનૈદના પિતા અલ્તાફભાઈ કાજીને ભારે આઘાત લાગ્યો હતો. તેમને હાર્ટએટેક આવ્યો હતો. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. હાલ તેઓ બોટાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.