Site icon Revoi.in

પાણી પુરી બનાવતા કારીગરો પરપ્રાંત વતનમાં જતાં પકોડીના ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગની મહિલાઓને પાણી પુરીનો સ્વાદ પસંદ હોય છે. પાણી-પુરીના કોઈપણ સ્ટેન્ડ કે લારી પર મહિલાઓ તો જોવા મળશે જ, પાણી-પુરીના વ્યવસાય સાથે મોટાભાગે પરપ્રાંતના લોકો જોડાયેલા છે. હાલ ઉનાળાનું વેકેશન હોવાથી મોટાભાગના પરપ્રાંતના પાણી પુરી બનાવનારાઓ પોતાના વતન જતા રહ્યા છે. તેથી પકાડીની તંગી ઊભી થઈ છે. હજી 15 દિવસ સુધી અછત રહેવાની શક્યતા છે. આ કારણથી પકોડીના ભાવમાં પણ વધારો થયો છે. દહેગામમાં પાણીપુરીની પુરી (પકોડી) બનાવી હોલસેલમાં વેચતો ગૃહઉદ્યોગો આવેલા છે. તેઓ તૈયાર પકોડી દહેગામ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા જિલ્લા તેમજ રાજસ્થાનના ડુંગરપુર અને બાંસવાડા સુધી પકોડી પૂરી પાડે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દહેગામમાં પાણીપુરી બનાવનારા મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની સરહદના ભીંડ, જાલોન, દતિયા, ગ્વાલિયર જેવા જિલ્લાના કારીગરો હોય છે. 2 વર્ષના કોરોનાકાળ બાદ લગ્નની સિઝન પૂરબહારમાં ખીલતાં ચાલુ વર્ષે દહેગામમાં પકોડી બનાવતા કારીગરો અને શ્રમિકો લગ્નપ્રસંગે વતનમાં ગયા હોવાથી એક માસથી પકોડીની અછત સર્જાઈ છે. કારીગરોની અછતના કારણે દૈનિક 5 હજાર પુરી બનાવતા લોકો ઘરની મહિલાઓની મદદથી માંડ 2થી 3 હજાર પુરી બનાવે છે.

દહેગામના પકોડી વેચતા વસીલભાઈએ જણાવ્યું હતું કે તેમને પકોડીનાં દૈનિક 50થી 60 પેકેટની જરૂર હોય છે પરંતુ તેની સામે તેમને માંડ 20થી 30 પેકેટ મળે છે, જેથી અસંખ્ય ગ્રાહકોને પરત ફરવું પડે છે. પૂરતા કારીગરો હાજર હતા તે સમયે હોલસેલમાં 40થી 45ની 100 નંગ પકોડીનું વેચાણ થતું હતું, અત્યારે એ પેકેટના 50થી 55 રૂપિયાના ભાવે વેચાણ થાય છે.  કારણ કે હોલસેલ ઉત્પાદકોએ પેકેટ પર 5 રૂપિયાનો વધારો કર્યો છે.પકોડીનું હાલ દહેગામમાં ઉત્પાદન થાય છે અને તેનું જુદા જુદા જિલ્લા ઉપરાંત રાજસ્થાનના વિસ્તારોમાં પણ વેચાણ થાય છે. તેવી જ રીતે અમદાવાદના ચાણક્યપુરી, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા જેવા વિસ્તારોમાં પણ પકોડીનું મોટા પાયે ઉત્પાદન થાય છે.