અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. દેશની તમામા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાત દ્વારા સંયુક્ત ઓપરેશન કરીને ભારતીય જળસીમામાં આશરે 6 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને ઝડપી લીધી હતી. બોટની તલાશી લેતા રૂ. 350 કરોડની કિંમતનો 50 કિલો હિરોઈનનો જથ્થો મળી આવતા બોટને જપ્ત કરીને પકડાયેલા પાકિસ્તાની 6 ક્રુ સભ્યોને કચ્છના જખૌ બંદર ખાતે લવાયા હતા. ડ્રગ્સ સાથે પકડાયેલા ક્રુ મેમ્બરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડ્રગ્સનો જથ્થો કોણ રિસીવ કરવાનું હતું તેની વિગતો મળી નથી. પરંતુ ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો લેન્ડ થયા બાદ આ ડ્રગ્સ પંજાબ કે અન્ય જગ્યાએ જવાય તેવી શક્યતા હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, ગુજરાતના દરિયા કિનારે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો આવી રહ્યો છે, પાકિસ્તાનથી આવી રહેલી એક બોટમાં ડ્રગ્સ છુપાવાયેલું છે તે બાતમીના આધારે આખી ટીમ જખૌ ખાતે પહોંચી હતી અને કોસ્ટ ગાર્ડની ઇન્ટરસેપ્શન બોર્ડમાં દરિયાઈ સીમામાં પ્રવેશ કર્યો હતો. ભારતની આંતરરાષ્ટ્રીય જળ સીમામાં પ્રવેશ્યા ત્યારે ચોક્કસ બાતમી આધારિત ત્યાં બોટ મળી આવી હતી જેમાં છ શખ્સો હાજર હતા. બોટની તપાસ કરતા આ બોટ પાકિસ્તાનની હોવાની વિગતો જાણવા મળી હતી. તેમજ બોટમાં બેઠેલા તમામ લોકો પાકિસ્તાની હતા એમની પાસે બોટમાં 50 કિલો હેરોઇન હતું જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 350 કરોડ જેટલી કિંમત થવા જઈ રહી છે. હાલ આ મોટા ઓપરેશનને ગુજરાત ATS એ પકડીને મોટી સફળતા મેળવી છે. ડ્રગ્સની ડિલમાં ગુજરાતનો બફર સ્ટેટ તરીકે ઉપયોગ થતો હોવાની વિગતો સામે આવતા હવે ગુજરાતના દરિયાઈ કિનારે કે ગુજરાતની જમીન પર કોણ આ ડ્રગ્સ ડિલરોને મદદ કરે છે તે શોધવા માટે રાજ્યના પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગત શુક્રવારની મધ્યરાત્રિ દરમિયાન, મળેલા ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે, ICGએ વ્યૂહાત્મક રીતે ઇન્ટરસેપ્ટર વર્ગના બે જહાજો, C-429 અને C-454 ને ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇન ની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે તૈનાત કર્યા હતા. જ્યાં મધ્યરાત્રિ દરમિયાન, એક પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી, જે IMBLની અંદર 5 નોટિકલ માઈલ અને જખૌથી 40 નોટિકલ માઈલ દૂર હતી. સંદિગ્ધ બોટને પડકારવામાં આવતા, પાકિસ્તાની બોટએ છટકબારીનો દાવપેચ શરૂ કર્યો હતો. જોકે, બંને જહાજોએ પાકિસ્તાની બોટને અટકાવી હતી અને તેને રોકવાની ફરજ પાડી હતી. પકડાયેલી બોટમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન પાંચ બારદાનની કોથળીઓમાં છુપાવેલા 50 કિલો માદક દ્રવ્યો, જે હિરોઈન હોવાનું માનવામાં આવે છે. જપ્ત કરાયેલા નશીલા પદાર્થોની બજાર કિંમત રૂ.350 કરોડ હોવાનો અંદાજ છે. તમામ એજન્સીઓ દ્વારા વધુ સંયુક્ત તપાસ માટે બોટને જખૌ ખાતે લાવવામાં આવી છે. (file photo)