દાંતાઃ ક્રિકેટ મેચનો હવે ગામડાના યુવાનોમાં પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં અંતરિયાળ આદિવાસી ગામડાંના યુવાનોમાં પણ ક્રિકેટ પ્રત્યેનો પ્રમેમ જોવા મળી રહ્યો છે. દાંતા તાલુકાના અંતરિયાળ ગામોના આદિવાસી સમાજના યુવાનો રમત ગમત ક્ષેત્રે આગળ વધે તેવા શુભ આશયથી શબરી સેના સાંઢોસી ઝોન દ્વારા બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું શનિવારના રોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, શબરી ફાઉન્ડેશનના પ્રમુખ ડો. હેમરાજ રાણા, દાંતા મામલતદાર અનીલ સોલંકી, તાલુકા આદિજાતી મોરચા પ્રમુખ મનુભાઈ કોદરવી, તેમજ આજુબાજુના સરપંચો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.
આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા મહેમાનોનું સ્વાગત આદિવાસી પાઘડી, તીર કામઠાં અને આદિવાસી સ્વાગત ગીતથી કરવામાં આવ્યું હતું. પ્રવચનમાં કલેક્ટર આનંદ પટેલે સૌ યુવાનોને પ્રોત્સાહિત કરતા ખેલદિલીની ભાવનાથી રમવાની સલાહ આપી હતી. વધુમાં તેમણે આદિવાસી સંસ્કૃતિનું મહત્વ સમજાવી આઝાદીની લડાઈમાં મહત્વનું યોગદાન આપનાર આદિવાસી વીર યોદ્ધાઓને પણ યાદ કર્યા હતા. ડો. હેમરાજ રાણાએ આદિવાસી સમાજના યુવાનો દરેક ક્ષેત્રમાં આગળ તે માટે સૌ સાથે મળી પ્રયાસ કરવાની વાત કરી હતી. આવનારા સમયમાં વોલીબોલ, કબડ્ડી, ખોખો વગેરે જેવી પરંપરાગત રમતો માટેની ટુર્નામેન્ટ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે હંમેશા યુવાનોની પડખે ઉભા રહેવાનું જણાવ્યું હતું.
દાંતા તાલુકામાં સૌ પ્રથમવાર આવું મોટા પાયે આયોજન થયું છે, જેમાં કુલ 68 ટીમોએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટમાં કોઈ ફી રાખવામાં આવી નહોતી. અને ભાગ લેનારી દરેક ટીમને ક્રિકેટ કીટ આપવામાં આવી હતી. નોંધનીય છે કે સારું પ્રદર્શન કરનારા ખેલાડીને શબરી ફાઉન્ડેશન દ્વારા દત્તક લઈને ક્રિકેટ ક્ષેત્રે આગળ વધવામાં મદદ કરવામાં આવશે.