Site icon Revoi.in

નવી શરતમાંથી જુની શરતની જમીનની 800 ફાઈલોનો નિકાલ થયો નથી અને જંત્રી વધારાનો અમલ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં તા.15મી એપ્રિલથી એટલે કે બે દિવસ બાદ શનિવારથી જંત્રીના દરમાં તોતિંગ વધારાનો અમલ શરૂ થઈ જશે. હાલ તો જુની જંત્રીનો લાભ લેવા તમામ રજિસ્ટ્રારની કચેરીઓ પર અરજદારોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે નવી જંત્રીમાં સંખ્યાબંધ વિસંગતી રહેલી હોવાથી બિલ્ડરોએ ફરી એક વખત વાંધા ઉઠાવ્યા છે.  ક્રેડાઈના કહેવા મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં નવી શરતથી જૂની શરતમાં ફેરવવાની 800થી વધુ ફાઈલો પેન્ડિંગ પડી છે. આ જમીનો પ્રિમિયમ ભરીને બિનખેતીમાં ફેરવવાની થાય છે. તેમાં 5 કરોડ કે તેથી વધુ રકમની ફાઈલ મંજૂરી માટે સરકારમાં મોકલવાની થાય છે. આવા કિસ્સામાં ઝડપથી ફાઈલોનું નિરાકરણ આવતું નથી જેને પગલે આ તમામ ફાઈલો નવી જંત્રીની અસરમાંથી બાકાત રાખવામાં આવે તે જરૂરી છે.

ક્રેડાઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બે દિવસ બાદ નવી જંત્રીનો અમલ શરૂ થઈ જશે. ત્યારે નવી શરતની જમીનોમાંથી જુની શરતમાં તબદિલ કરવા માટેની જે ફાઈલો સરકાર સમક્ષ પેન્ડિંગ પડેલી છે. તેનો  જ્યારે પણ નિકાલ કરવામાં આવે ત્યારે જુની જંત્રી મુજબ લાભ આપવો જોઈએ. બીજી તરફ દસ્તાવેજોની નોંધણીના મુદ્દે પણ સ્પષ્ટતા કરવાની આવશ્યકતા છે. અગાઉ સરકારે કહ્યું હતું કે, 15 એપ્રિલ પહેલાં જે દસ્તાવેજોમાં પક્ષકારોની સહી પહેલાં સ્ટેમ્પ લગાડેલા હશે તો આવા દસ્તાવેજ સહી કર્યાની તારીખથી 4 મહિનામાં નોંધણી માટે રજૂ થશે. જેમાં નવી જંત્રી લાગુ પડશે નહીં. પરંતુ આ કિસ્સામાં પણ વકીલોને મૂંઝવણ છે કે, તેમાં રજિસ્ટ્રેશન ચાર્જ ભરવાનો થશે. જેથી આ મુદ્દે સ્પષ્ટતા કરવી જરૂરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જંત્રીના અમલાવારી અંગે વિસંગતતા દપર કરવા  બિલ્ડરોએ મુખ્યમંત્રીને લેખિત વિનંતી કરી છે. ખાસ કરીને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્લાન પાસિંગની સ્ક્રૂટિની ફી ભરી દેવામાં આવી હોય. અથવા તો પ્લાન રજૂ થઈ ગયા હોય તેવા કિસ્સામાં જૂની જંત્રી પ્રમાણે એફએસઆઈના નાણાં લેવા જોઈએ. જે કિસ્સામાં પ્લાન પાસ થઈ ગયા હોય પરંતુ નવી પેમેન્ટ એફએસઆઈ લેવાની ન થતી હોય અથવા તો પ્લાન રિવાઈઝ્ડ કરવાના હોય તેવા કિસ્સામાં પણ નવી જંત્રીની કોઈ અસર પેમેન્ટ એફએસઆઈ પર થાય નહીં તેની પણ સ્પષ્ટતા થવી ખૂબ જ જરૂરી છે. કોઈપણ પ્રોજેક્ટ બનતા 3થી 4 વર્ષ લાગે છે. જે પ્રોજેક્ટ રેરામાં રજિસ્ટર્ડ થયેલા હોય અને જો બની રહ્યા હોય તેવા કિસ્સામાં રેરા ઓથોરિટી પ્રમાણે હાલ બાનાખાત થાય છે અને તેનું પઝેશન બીયુ મળ્યા પછી ગ્રાહકોને આપવાનું થાય છે. જેથી દસ્તાવેજ કરતી વખતે રેરા ઓથોરિટી પ્રમાણે કરેલા બાનાખતમાં દર્શાવેલી રકમને ધ્યાને લઈ વધારાની જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી કે રજિસ્ટ્રેશન ચાર્જ લેવો જોઈએ નહીં. ઉપરાંત લોકોનું હિત જળવાય અને બાંધકામ ઉદ્યોગને ગંભીર અસરો ન થાય તે માટે અમલ કરતાં પહેલા સ્પષ્ટતા કરવી જરૂરી છે.