Site icon Revoi.in

USA જવા નિકળેલા 9 ગુજરાતીઓનો કોઈ અત્તો-પત્તો નથી, ગૃહ વિભાગે હાથ ધરી તપાસ

Social Share

અમદાવાદઃ ગુજરાતના લોકોમાં એબ્રોડ જઈને સેટલ થવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં તો કેટલાક લોકો એજન્ટોને લાખો રૂપિયા આપીને  યુએસમાં ગેરકાયદે પ્રવેશ  મેળવી લેતા હોય છે. ઘણીવાર એજન્ટની ચૂંગાલમાં ફસાયેલા લોકો ભારે મુશ્કેલીમાં મુકાતા હોય છે. ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકા જવા નિકળેલા 9 ગુજરાતી લોકોનો છેલ્લા પાંચ માસથી સંપર્ક થઈ રહ્યો નથી. હવે આ મામલામાં રાજ્યના ગૃહ વિભાગ મારફતે કેન્દ્ર સરકાર દ્વારા સંપર્ક કડીઓ મેળવવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.  આ કેસમાં પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ તપાસમાં ખોલ્યા છે અને તે બંને આરોપીઓ એનઆરઆઈ હોઈ હાલમાં અમેરિકા છે. જેમને લઈ લૂક આઉટ સર્ક્યુલરની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  નવ  ગુજરાતીઓ ગત જાન્યુઆરી માસમાં અમેરિકા જવા માટે નિકળ્યા હતા. ત્યારબાદ આ તમામ લોકો ગત 4 ફેબ્રુઆરીથી સંપર્ક વિહોણા બન્યા છે. જેને લઈ તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. પ્રાંતિજ પોલીસે આ મામલામાં તપાસનો ધમધમાટ શરૂ કરતા એક બાદ એક બે આરોપીઓને ઝડપી લીધા છે, હવે મહેન્દ્ર પટેલને ઝડપી લેવા માટે ટીમો રચીને શોધખોળ શરૂ કરી છે. જાન્યુઆરી 2023માં જે નવ લોકો અમેરિકા જવા નીકળ્યાં હતાં તેમાં મહેસાણાના ચાર, ગાંધીનગરના ત્રણ અને સાબરકાંઠા તેમજ ચરોતરના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે. આ તમામ લોકો 08 જાન્યુઆરીએ અમદાવાદથી રવાના થયાં હતાં, જેમાં બે મહિલાનો પણ સવાવેશ થતો હતો. આ પેસેન્જર્સને સૌ પહેલા તો અમદાવાદથી મુંબઈ લઈ જવાયા હતા અને ત્યાંથી તેમને વાયા યુરોપ થઈ કેરેબિયન આયલેન્ડ ડોમિનિકા અને પછી માર્ટિનિક પહોંચાડાયા હતા. માર્ટિનિકથી તેમને બોટમાં સવાર થઈને પોર્ટો રિકો પહોંચવાનું હતું, અને ત્યાંથી ડોમેસ્ટિક ફ્લાઈટ પકડીને ફ્લોરિડાના માયામી પહોંચવાનું હતું. તેઓ 04 ફેબ્રુઆરીએ માર્ટિનિકથી પોર્ટો રિકો જવા નીકળ્યાં હતાં, અને ત્યારથી જ આ તમામ લોકો ગુમ છે.
આ મામલાના મુખ્ય સૂત્રધાર મહેન્દ્ર પટેલ સામે જે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે મહેન્દ્ર પટેલે તમામ લોકો પાસેથી 20 લાખ રૂપિયા એડવાન્સમાં લીધા હતાં.તપાસનીશ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, હાલ જે નવ લોકો અમેરિકા જતાં ગુમ થયા છે તેમાં મહેન્દ્ર પટેલના સાગરિત દિવ્યેશ પટેલ અને ચતુર પટેલ પોલીસના સકંજામાં આવી ગયા છે. આ બંને એજન્ટોએ ગુમ થયેલા પેસેન્જર્સના પરિવારજનોને એવું જણાવ્યું હતું કે તેમને માર્ટિનિકમાં પોલીસે પકડી લીધા છે. જોકે, તે વાત થયા બાદ પણ મહિનાઓ સુધી કોઈનો પણ સંપર્ક ના થઈ શકતાં આખરે સાબરકાંઠાના ભરત રબારીની પત્નીએ મહેન્દ્ર પટેલ અને તેના સાગરિતો વિરૂદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.