Site icon Revoi.in

રાજકોટમાં સિવિલ હોસ્પિટલની કફોડી સ્થિતિઃ ટ્રોમા સેન્ટરમાં આગ લાગી

Social Share

રાજકોટઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં કોરોનાની ભયજનક સ્થિતિ એટલી હદે વણસી છે કે હવે તો હોસ્પિટલોમાં બેડ ખાલી ન હોવાથી દર્દીને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્ર સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પહેલીવાર મેઇન ગેટ કોરોના દર્દી માટે બંધ કરવામાં આવ્યો છે. પરંતુ પાછલા દરવાજે દર્દી સાથેની 40 જેટલી એમ્બ્યુલન્સની લાંબી લાઇન લાગી ગઇ હતી. દરમિયાન સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પાંચમાં માળે આગ લાગતા અફડાતડફીનો માહોલ સર્જાયો હતો. આગ શા માટે લાગી હતી. કે હજુ જાણવા મળ્યુ નથી. ફાયરબ્રીગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જાનહાનીના કોઈ જાણકારી મળી નથી. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યુ હતું કે ટ્રોમાં સેન્ટરના પાંચમા માળે એકઠા થયેલા કચરાના ઢગલાંમાં આગ લાગી હતી ફાયરબ્રીગેડના જવાનોએ આગ બઝાવી દીધી હતી, બે દિવસ પહેલા જ ટ્રોમાં સેન્ટર કોવિડ વોર્ડમાં ફેરવાયુ હતું.

રાજકોટની સિવિલ હોસ્પિટલના ચૌધરી હાઇસ્કૂલ તરફનો ગેઇટ બંધ કરી દેવામાં આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સને અંદર જવા પર મનાઇ કરવામાં આવી હતી. તમામ દર્દી ભરેલી એમ્બ્યુલન્સ ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં રાખવામાં આવી છે. એકસાથે 40 જેટલી એમ્બ્યુલન્સ લાઇનમાં ઉભી રહેતા બિહામણું દ્રશ્ય  જોવા મળ્યું હતુ. બે દિવસ પહેલા પણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે 108 એમ્બ્યુલન્સના થપ્પા લાગી ગયા હતા. 50થી વધુ 108 એમ્બ્યુલન્સ સાથેની લાઇન જોવા મળી હતી. રાજકોટમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે ત્યારે બીજી તરફ હોસ્પિટલમાં સુવિધાના અભાવે દર્દીઓને દાખલ કરી શકાતા નથી. મોટી મોટી વાતો કરીને રાજકીય નેતાઓ જતા રહે છે પણ સુવિધાના નામે મીંડુ જોવા મળી રહ્યું છે.