Site icon Revoi.in

પાટડીના રૂસ્તમગઢ નજીક કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં,

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના પાટડી તાલુકાના રૂસ્તમગઢ નજીક નર્મદાની માઈનોર કેનાલમાં મોટું ગાબડું પડતા ખેતરો જળબંબાકાર બની જતા ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડુતોએ રવિ સીઝનમાં જીરાનું વાવેતર કર્યું હતું.  કેનાલના કાંઠે આવેલી ખેતરોમા જીરાના પાકમાં નર્મદાનું પાણી ફરી વળતા ખેડુતો નર્મદા નિગમ સામે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ખેડુતોએ એવો આક્ષેપ કર્યો હતો કે નર્મદાની માઈનોર કેનાલ ઘણા વખતથી મરામત માગી રહી છે. કેનાલની બન્ને બાજુની દીવાલો જર્જરિત બની ગઈ છે. છતાંયે નર્મદા વિભાગના અધિકારીઓ ધ્યાન આપતા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટડી તાલુકામાં રૂસ્તમગઢ માઇનોર કેનાલમાં શુક્રવારે ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા. અને નર્મદાના લાખો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. જેમાં નર્મદા વિભાગ દ્વારા જર્જરીત કેનાલનું સમારકામ ન કરાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. ઝીંઝુવાડા શાખાની ઓડું ડિસ્ટ્રીબ્યુટરીમાંથી નીકળતી રૂસ્તમગઢ માઇનોર કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણી જીરાના ઉભા પાકમાં ફરી વળતા ખેડૂતોને મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ જવા પામ્યો હતો. જેમાં રૂસ્તમગઢ ગામના એક ખેડુતની દશ વીઘા જમીનમાં તૈયાર જીરાના પાકમાં નર્મદાના પાણી ફરી વળતા એમને પડ્યાં પર પાટુ મારવાના ઘા જેવો ગોઝારો ઘાટ સર્જાયો હતો. ખેડૂતોને મોંઘા ભાવના બિયારણ, ખાતર અને દવાનો કરેલો ખર્ચો પણ માથે પડ્યો છે. નર્મદા વિભાગની ઘોર બેદરકારીનો ભોગ  ખેડૂતો બની રહ્યા છે. આ બાબતે ખેડૂતો પાટડી નર્મદા વિભાગની ઓફિસે રજુઆત કરવા ગયા હતા પણ ત્યાં એકપણ અધિકારી હાજર ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા.