Site icon Revoi.in

સોમનાથ ખાતે હાફ મેરેથોન યોજાશે, અન્ય રાજ્યોના રમતવીરો પણ ભાગ લેશે

Social Share

વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથની  ભુમિ પર  પ્રથમવાર રાષ્ટ્રીય હાફ મેરેથોન યોજાશે. જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ભારત વિકાસ પરિષદ-સોમનાથ શાખા દ્વારા સોમ મેરેથોન નામ આપવામાં આવ્યું છે. આગામી તારીખ 9 મી જાન્યુઆરીના રોજ આ હાફ મેરેથોન યોજાશે. આ મેગા ઈવેન્ટમાં ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સહિતના રાજયોના દોડવીરો ભાગ લેવા માટે વેરાવળ આવશે. આ અગાઉ રાજ્યમાં ત્રણ વખત અમદાવાદ, રાજકોટ અને વડોદરા ખાતે જ હાફ મેરેથોન સ્‍પર્ઘા યોજાઈ છે. ત્‍યારે સોમનાથ મહાદેવના સાનિધ્યે વેરાવળમાં રાજયની ચોથી હાફ મેરેથોન યોજાવા જઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી સોમનાથ સાંનિઘ્‍યે પ્રથમવાર રાષ્ટ્રીયકક્ષાની આ પ્રકારની સ્પર્ધા યોજાવાનું આયોજન કરાયુ છે. ત્યારે તેમાં ભાગ લેવા માટે યુવાનો-દોડવીરો ઉત્સાહિત બન્યા છે. સાથે જ કોરોના મહામારીના સમયમાં લોકો આરોગ્ય પ્રત્યે વિશેષ જાગૃત બને તેમજ આ વિસ્તારમાં એક આગવુ સ્પોર્ટસ કલ્ચર વિકસિત થાય તે માટે આ હાફ મેરેથોનના માધ્યમથી પ્રયાસ કરવામાં આવશે. ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રના લોકોમાં એથ્લેટિક્સ તરફ ઓછો ઝુકાવ જોવા મળે છે. ત્યારે આ મેરેથોનથી વધુ લોકો એથ્લેટિક્સમાં રૂચિ કેળવે સાથે જ તેમાં આગળ વધે તેવા આશય સાથે હાફ મેરેથોનનુ આયોજન કરવામાં આવ્યું છે.

સોમનાથ ખાતે યોજાનારી હાફ મેરેથોન સફળતાપૂર્વક યોજવા માટે જુદી-જુદી સમિતિઓની રચના કરવામાં આવી છે. સાથે જ તમામ દોડવીરોને દર બે કીમીએ પાણી-ORS મળી રહે તેવી વ્યવસ્થાં કરવામાં આવશે. આ ઈવેન્ટ દરમિયાન મેડીકલની ટીમ ઉપસ્થિત રહેશે. દરેક કેટેગરીમાં વિજેતા થનારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય તથા સિનિયર સિટિઝન માટે અલગથી પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે. હાફ મેરેથોનમાં લાભ લેવા માટે ઓનલાઈ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. 5, 11 અને 21 કીમી અંતરની દોડની ત્રણ કેટેગરીમાંથી કોઈ એક સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જેમાં 21 કીમીમાં 18,  11 કીમીમાં 14 અને 5 કીમીમાં 12 વર્ષથી ઉપરના ઉમેદવારો ભાગ લઈ શકશે.