Site icon Revoi.in

કાલાવડના પીઠડિયા ગામે મણવર ડેમમાં કપડા ધોવા ગયેલી માતા-પૂત્રીના ડુબી જતાં મોત

Social Share

જામનગરઃ જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડિયા ગામની સીમમાં આવેલા મણવર ડેમમાં માતા અને પૂત્રી કપડા ધોવા માટે ગયા હતા ત્યારે ડેમમાં પૂત્રીનો પગ લપસી જતાં તેણી ડેમમાં પડી હતી અને ડૂબવા લાગી હતી. આથી પોતાની પૂત્રીને બચાવવા જતાં તેની માતાએ પણ ડેમમાં ઝંપલાવ્યું હતું. અને માતા અને પૂત્રી ડેમના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. અને પોલીસને બનાવની જાણ કરી હતી. તરવૈયાની મદદથી માતા-પૂત્રીના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલ મોકલી દેવાયા હતા. આ બનાવથી નાના એવા પીઠડિયા ગામમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.

આ બનાવની એવી વિગતો જાણવા મળી છે કે,  જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડિયા ગામમાં રહેતી અને કાલાવડની હિરપરા કન્યા છાત્રાલયમાં ધો.10માં અભ્યાસ કરતી હેતવીબહેન વિજયભાઈ ડાંગરિયા નામની 15 વર્ષની વિદ્યાર્થિની, કે જે હાલમાં વેકેશન હોવાથી પોતાના ઘેર રોકાવા માટે આવી હતી .ત્યારે માતા રસીલાબેન તેમજ કાકી કાજલબેન સાથે પીઠડીયા ગામની સીમમાં આવેલા મણવર ડેમ ખાતે કપડાં ધોવા માટે ગયા હતા.જે દરમિયાન હેતવીનો અકસ્માતે પગ લપસી જતાં ડેમના ઊંડા પાણીમાં ગરકાવ બની હતી. અને બચાવવા માટે તરફડિયા મારી રહી હતી. દરમિયાન તેને બચાવવા માટે માતા રસીલાબેને પણ પાણીમાં ઝંપલાવી દીધું હતું. પરંતુ બંનેને તરતા આવડતું ન હોવાથી અને ડેમમાં પાણી ઊંડું હોવાથી માતા પુત્રી બંને ડૂબી ગયા હતા,

આ બનાવની જાણ થતા ગ્રામજનો દોડી આવ્યા હતા. અને સમગ્ર બનાવ અંગે મૃતક રસીલાબેનના પતિ અને હેતવીના પિતા વિજય છગનભાઈ ડાંગરિયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.જે. જાદવ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને માતા પુત્રી બંનેના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. માતા પુત્રી બંનેના મૃત્યુના બનાવને લઈને નાના એવા પીઠડીયા ગામમાં શોકમગ્ન વાતાવરણ બની ગયું છે. (FILE PHOTO)