Site icon Revoi.in

નડાબેટ રણના છીછરા પાણીમાં વિદેશી પક્ષીઓનો જમાવડો, આજે રાષ્ટ્રીય પક્ષી દિન ઊજવાશે

Social Share

પાલનપુરઃ દેશભરમાં 5મી જાન્યુઆરીનો દિન રાષ્ટ્રીય પક્ષીદિન તરીકે ઊજવવામાં આવે છે. બનાસકાંઠાના અફાટ રણ વિસ્તાર ગણાતા નડાબેટના છીછરા પાણીમાં છબછબીયા કરતાં વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 5મી જાન્યઆરીના દિને નડાબેટ ખાતે પક્ષીદિન ઊજવાશે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર શિયાળાની શરૂઆત થતાં જ સાઈબેરિયાથી પક્ષીઓ સ્થળાંતર કરીને આવતા હોય છે. ભારત પાકિસ્તાનની સરહદ પર નડાબેટ નજીક રણ વિસ્તારમાં ભરાયેલા છીછરા પાણીમાં 144 દેશ કરતા વધારે દેશોના પ્રવાસી પક્ષીઓનું આશ્રય સ્થાન બન્યુ છે. અને તેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના નડાબેટના રણ વિસ્તારમાં મોટી સંખ્યમાં વિદેશી પક્ષીઓએ પડાવ નાંખ્યો છે. શિયાળામાં સાઈબેરિયામાં ઠંડીનું પ્રમાણ વધી જતું હોવાના લીધે આ પક્ષીઓ બનાસકાંઠા જિલ્લાના મહેમાન બન્યા છે. રશિયાનો સાઈબેરીયન પ્રદેશ શિયાળામાં એકદમ નિર્જન બની જાય છે. ત્યારે આ વિસ્તારમાં વસતા પક્ષીઓ ઠંડીથી બચવા અને ખોરાકની શોધમાં સ્થળાંતર કરતા હોય છે. નડાબેટના રણમાં ભરાયેલા પાણીમાં માછલીઓ પણ પ્રચુર માત્રામાં હોવાથી યાયાવર પક્ષીઓને ખોરાક પણ આસાનીથી મળી રહે છે.અને અહી જ આ પક્ષીઓ પ્રજનન પણ કરે છે. ત્યારબાદ માર્ચ મહિનાની શરૂઆત થતાં જ આ રણમાં તાપમાનનો પારો ઊંચો જવાથી પક્ષીઓ ફરીથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને સાઈબેરિયા પહોંચી જતાં હોય છે. નડાબેટ વિસ્તારમાં  વિદેશી પક્ષીઓના આકર્ષણને નિહાળવા માટે દૂર દૂરથી પક્ષીપ્રેમીઓ પણ આવતા હોય છે. ગુજરાત સરકાર પણ આ વિદેશી પક્ષીઓના આકર્ષણને લઈ આ વિસ્તારનો વિકાસ પ્રવાસન વિભાગ તરીકે કરી રહી છે.

 

Exit mobile version