Site icon Revoi.in

થર્ટી ફર્સ્ટના આગમન પહેલા જ ગોવા જતી વન-વે ફ્લાઈટના ભાડાંમાં કરાયો તોતિંગ વધારો

Social Share

અમદાવાદઃ વર્ષ 2022ની વિદાય અને વર્ષ 2023ના આગમનને હવે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. 31મી ડિસેમ્બર નવા વર્ષની ઊજવણી  માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ ગોવામાં જતા હોય છે. ત્યારે એરલાઇન કંપનીઓએ તકનો લાભ લઈને ભાડામાં તોતિંગ વધારો કરી દીધો છે. અમદાવાદથી ગોવાનું સામાન્ય દિવસોમાં રિટર્ન ફેર 10 હજારની આસપાસ હોય છે. જે હાલમાં 40 ટકા વધારી રૂ. 14 હજાર કરી દેવાયું છે. અમદાવાદ એરપોર્ટ પરથી ગોવાની પ્રતિદિન ડાયરેક્ટ પાંચ ફલાઇટ ઓપરેટ થાય છે. દિવાળીમાં પણ ગોવાના વન-વે એરફેર 9 હજાર સુધી વસુલી મુસાફરોના ખિસ્સા ખંખેર્યા હતા. હવે ફરીથી 31 ડિસેમ્બરને લઇ એરલાઇન કંપનીઓએ ગોવાના ભાડામાં તોતિંગ વધારો કરતા ઘણાબધા પ્રવાસીઓ હવે ખાનગી વાહનો દ્વારા ગોવા જવાનું બુકિંગ કરાવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડોમેસ્ટીક સેવા આપતી એરલાઈન્સ કંપનીઓ પ્રવાસીઓની ગરજને લાભ લઈને વિમાની ભાડાંમાં વધારો કરી દેતા હોય છે. થર્ટીફર્સ્ટ યાને નવા વર્ષના આગમનની ઊજવણી માટે ઘણાબધા ગુજરાતી પરિવારો ગોવાના પ્રવાસે જતા હોય છે. આ ઉપરાંત એનઆરઆઇ સિઝન હોવાથી ફરવા અને હનીમૂન પર જનારની પણ સંખ્યા વધુ હોય છે. ત્યારે એરલાઇન કંપનીઓએ તકનો લાભ લઈને અમદાવાદથી ગોવાની કનેક્ટિંગ ફલાઇટોના ભાડાં પણ વધારી દીધા છે. વિવિધ એરલાઈનની અમદાવાદથી ગોવાની 5 ફ્લાઈટ ઓપરેટ થાય છે. જેમાં ઈન્ડિગોની 3, સ્પાઈસ જેટ અને ગો-ફર્સ્ટની 1-1 ફ્લાઈટનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં ગોવાના વન-વે એરફેરમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી થર્ટી ફર્સ્ટની ઊજવણી પર પ્રતિબંધ હતા. આ વખતે તમામ પ્રકારના પ્રતિબંધ હટતાં ગોવા ફરવા જવાનો ધસારો વધુ રહે તેવી શક્યતા છે.

ઇન્ટરનેશનલ ટ્રાવેલ સાથે સંકળાયેલા ટૂર ઓપરેટરોના કહેવા મુજબ ગત વર્ષ કરતા આ વખતે બેંગકોક, વિયતનામ, દુબઇનું 30 ટકા વધુ બુકિંગ થયું હોવાથી મુસાફરોનો ટ્રાફિક રહેશે. અમદાવાદથી ગોવાની ફલાઇટોમાં અમુક તારીખમાં વન-વે ફેર 13 હજાર છે. જો કોઇ મુસાફર છેલ્લી ઘડીએ કે થોડા દિવસ પહેલા ગોવાની ફલાઇટ બુક કરાવશે તો વન-વે ફેર 17 હજાર ચૂકવવું પડશે. જે બેંગકોકની સમકક્ષ હશે. એટલે કે 15 ડિસેમ્બરથી અમદાવાદથી બેંગકોકની ફલાઇટ શરૂ થશે જેમાં રિટર્ન ફેર 25 હજારની આસપાસ છે.