Site icon Revoi.in

વેકેશનના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા 1લીમેથી ભૂજ-દિલ્હી વચ્ચે સ્પેશ્યલ ટ્રેન દોડશે,

Social Share

અમદાવાદઃ ઉનાળુ વેકેશનના પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા દિલ્હી અને ભુજ વચ્ચે 1 મે, 2024થી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી-ભુજ વચ્ચે શરૂ કરવામાં આવેલી ટ્રેન ભુજથી દિલ્હી જવા મંગળવાર અને શુક્રવારે ઉપડશે. જે ભુજથી સાંજે 5 કલાકે પ્રસ્થાન થઈ બીજા દિવસે બપોરે 12.20 કલાકે દિલ્હીના સરાઇ રોહિલ્લા સ્ટેશન પહોંચાડશે. જ્યારે દિલ્હીના સરાઇ રોહિલ્લા સ્ટેશનથી ભુજ આવવા બુધવારે અને શનિવારે આ ટ્રેન ઉપડશે. જે દિલ્હીથી બપોરે 3 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 11.30 કલાકે ભુજ પહોંચશે.

રેલવે વિભાગ દ્વારા ખાસ આ સમર સ્પેશિયલ ટ્રેન મે અને જૂન એમ બંને મહિનામાં કુલ 17 ટ્રીપ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, ભુજથી દિલ્હી અત્યાર સુધી એકમાત્ર બરેલી એક્સપ્રેસની સેવા જ ઉપલબ્ધ છે. જેમાં ઉનાળાની સીઝન દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોય છે. ત્યારે મુસાફરોની સુવિધામાં વધારો થાય તે માટે દિલ્હી સુધી વધુ એક ટ્રેન દોડાવવામાં આવશે.

દિલ્હી-ભુજ વચ્ચે શરૂ કરવામાં આવનારી આ સ્પેશિયલ ટ્રેનની સુવિધાનો લાભ ખાસ કરીને કચ્છમાં વસતા પરપ્રાંતિય નાગરિકો તેમજ હરિદ્વાર, અયોધ્યા સહિતના સ્થળોએ ફરવા ઇચ્છુક પ્રવાસીઓને મળશે. ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.