અમદાવાદઃ જીએસટીના કેટલાક અધિકારીઓ કરદાતા વેપારીઓને અકારણ પરેશાન કરતા હોવાની ફરિયાદો ઊઠી છે. દેશ અને ગુજરાતમાં જીએસટી લાગુ થયા પહેલા વેટ સમયના બાકી લેણાં માટે કરદાતાઓના બેન્ક ખાતા ટાંચમાં લેવાતા વેપારીઓ પરેશાની ભાગવી રહ્યા છે. જીએસટી ડિપાર્ટમેન્ટે કરેલી કાર્યવાહીથી વેપારી કરદાતા મુશ્કેલીમાં મુકાયા છે. અંદાજે 3 હજાર કરદાતાના બેન્ક એકાઉન્ટ ઉપર ટાંચમાં લઈ બેન્કો પાસેથી જે તે ખાતેદારના ડિમાન્ડ ડ્રાફ્ટ મંગાવી લેવાયા હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓને વેટ સમયના બાકી લેણાં માટે નોટીસ આપ્યા વગર બેન્ક એકાઉન્ટ ટાંચમાં લેતા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. જીએસટી પહેલા વેટ સમયે મેન્યુઅલ ટેકસ ભરીને તેની ચલણ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવું પડતું હતું. મોટા ભાગના કેસમાં કરદાતા દ્વારા આ પ્રક્રિયાપૂરી કરવામાં આવી છે તેમ છતાં જે તે સમયે અધિકારીઓએ તે ચલણ ખતવવાનું બાકી રહી ગયું હતું. તેવા કિસ્સામાં ટેક્સની રકમ બાકી દેખાતી હતી. જેને લઇને ડિપાર્ટમેન્ટે આવા કરદાતાના બેન્ક એકાઉન્ટ ટાંચમાં લીધા છે. કરદાતા બેન્કના વ્યવહાર કરવા ગયા ત્યારે તેમને ખબર પડી કે તેમના બેન્ક એકાઉન્ટ ઉપર ડિપાર્ટમેન્ટે ટાંચ મુકીને ખાતામાં રહેલી રકમ ઉપાડી લીધી છે. કરદાતા જ્યારે ડિપાર્ટમેન્ટમાં જઇને તપાસ કરી ત્યારે તેમને ખબર પડી કે, વેટના બાકી લેણાં માટે તેમના બેન્ક એકાઉન્ટ ટાંચમાં લેવામાં આવ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વેટ સમયના બાકી લેણાં માટે કરેલી ડિપાર્ટમેન્ટની કાર્યવાહીમાં કરદાતાઓને સાંભળવાનો મોકો આપવામાં આવ્યો નથી. કરદાતાએ ભરેલી રકમને બાકી દર્શાવીને કરેલી આ કાર્યવાહી અયોગ્ય હોવાનું વિવિધ ટેકસ એસોસિએશન દ્વારા જણાવ્યું છે. કરદાતાઓના બેન્કના વેપાર ખાતા ઉપરાંત બચત ખાતાને પણ ટાંચમાં લીધા હોવાથી વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.