Site icon Revoi.in

સોમનાથ મંદિર નજીક સ્થાનિક વેપારીઓની રજુઆત બાદ 100 જેટલાં દબાણો બુલડોઝર ફરી વળ્યું

Social Share

સોમનાથઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર નજીકના શોપિંગ સેન્ટરના વેપારીઓની રજુઆત બાદ સોમનાથ મંદિર પાસે થયેલા 100 જેટલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં . હોટલ તેમજ મકાનોની બહાર કાઢેલા શૌચાલય-બાથરૂમ, ઓટલા, કેબીન જેવા દબાણો જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહીથી રસ્તો પહોળો થવાથી દર્શનાર્થીઓ, પ્રવાસીઓ, મંદિરની આજુબાજુના રહેણાંક વિસ્તાર તથા સોમનાથ શોપિંગ સેન્ટરનાં વેપારીઓ તથા રીક્ષા-વાહનચાલકોને રાહત થઈ છે. જેથી ટ્રાફિકની સમસ્યા પણ હળવી થઈ છે.

શહેરમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા વિકાસકાર્યો તથા શિવરાત્રિને લઈને સુરક્ષાને ધ્યાને લેતા કરવામાં આવેલા બેરિકેડિંગ તથા દીવાલને કારણે સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીઓને ગ્રાહકો મળવાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતે શોપિંગ સેન્ટરના વેપારીઓએ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને સોમનાથ ટ્રસ્ટને રજૂઆત કરી હતી. સ્થાનિક વેપારીઓની આ રજૂઆતને ધ્યાનમાં લઈને કલેક્ટરે વેરાવળ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને 10 સભ્યોની સમિતિની રચના કરી હતી. આ સમિતિને એક અઠવાડિયાની અંદર વેપારીઓને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સૂચના આપી હતી. તેનો ત્વરિત અમલ કરતાં સોમનાથ મંદિર પાસે થયેલા 100 જેટલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં દિગ્વિજય દ્વારની સામે આવેલા કુંભારવાડામાં જૂના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. હોટલ તેમજ મકાનોની બહાર કાઢેલ શૌચાલય-બાથરૂમ, ઓટલા, કેબીન જેવા દબાણો જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સોમનાથ મંદિર શોપિંગ સેન્ટર ખાતે 120 દુકાનોના દુકાનમાલિકોના પ્રતિનિધિઓ સાથે કલેક્ટરે બેઠક યોજી વેપારીઓને અગવડરૂપ પ્રશ્નોની રજૂઆતો સાંભળી તેનું એક અઠવાડિયામાં નિરાકરણ લાવવાની હૈયાધારણ આપી હતી. જેનો અમલ કરતાં આજે તાત્કાલિક ધોરણે 100 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી રસ્તો પહોળો થવાથી દર્શનાર્થીઓ, પ્રવાસીઓ, મંદિરની આજુબાજુના રહેણાંક વિસ્તાર તથા સોમનાથ શોપિંગ સેન્ટરનાં વેપારીઓ તથા રીક્ષા-વાહનચાલકોને રાહત થઈ છે. જેથી ટ્રાફિકની સમસ્યા પણ હળવી થઈ છે. આગામી સમયમાં પઠાણવાડા વિસ્તારમાં પણ અનધિકૃત બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.