Site icon Revoi.in

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે મોઢવાડિયાએ ના પાડ્યા બાદ ત્રણના નામ ચર્ચામાં

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી છે. ત્યારે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાનું પદ કોને આપવું તે અંગે મંથન ચાલી રહ્યું છે. કહેવાય છે. કે, પાર્ટીના સિનિયર ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ વિપક્ષના નેતા બનવાને  ઇન્કાર કરી દીધો છે, ત્યારે તેમના વિકલ્પ સ્વરૂપે અન્ય સિનિયર ધારાસભ્ય અને ગઇ ટર્મમાં વિપક્ષના ઉપનેતા રહેલા શૈલેષ પરમાર, ડો. તુષાર ચૌધરી, અમિત ચાવડા  અથવા જિજ્ઞેશ મેવાણીના નામ અંગે વિચારણા કરવામાં આવી રહી હોવાનું પ્રદેશ કોંગ્રેસના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા માત્ર 17ની છે. ત્યારે મજબુતીથી વિપક્ષની ભૂમિકા ભજવી શકે તે માટે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અભ્યાસુ અને બોલકા નેતાને પસંદ કરવાની વિચારણા ચાલી રહી છે. કહેવાય છે કે, અર્જુન મોઢવાડિયાએ વિપક્ષના નેતાપદ માટે અનિચ્છા વ્યક્ત કરી છે. ત્યારે મોઢવાડિયાના વિકલ્પ તરીકે શૈલેશ પરમાર,  ડો. તુષાર ચૌધરી કે જિજ્ઞેશ  મેવાણી જ યોગ્ય છે. તે સિવાય ઉપનેતા અને દંડક જેવા પદો પણ છે જેમાં પાર્ટી કોઇ સિનિયરને તક આપી શકે છે.  ખાસ કરીને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એકજુથ રાખી શકે અને ગુજરાતના પ્રજાના પ્રશ્નોની ગૃહમાં ધારદાર રજુઆત કરી શકે તેવા નેતાની પસંદગી કરાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની ન કલ્પી શકાય તેવી રીતે હાર થઈ છે. ત્યારે પ્રદેશ નેતાગીરીમાં પણ આમૂલ પરિવર્તનની કાર્યકરો માગ કરી રહ્યા છે. બોટાદ બેઠક પરથી ચૂંટણી સતત હારેલા કોંગ્રેસના સિનિયર નેતા મનહર પટેલે હાર પછી પોતાનો બળાપો ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસને આ હાર પછી સતત ચિંતન કરવાની જરૂર છે. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે કોંગ્રેસમાં ઘણાં સુધારાની પણ જરૂર છે.