Site icon Revoi.in

ભારત પાસે કોરોના વેક્સિનની મદદ માટે નેપાળ બાદ બાંગ્લાદેશ પણ આશાવાદી

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા બે રસીને મંજૂરી આપવામાં આવી છે. તેમજ ત્રીજી રસીની અંતિમ તબક્કામાં ટ્રાયલ ચાલી રહી છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાની વેક્સિનની મંજૂરી આપવામાં આવી હોવાથી આગામી દિવસોમાં રસી અભિયાન શરૂ કરવામાં આવશે. હવે બીજી તરફ ભારતના પડોશી દેશો કોરોનાની રસીની મદદને લઈને ભારત ઉપર આશા રાખી રહ્યાં છે. નેપાળ બાદ બાંગ્લાદેશે પણ કોરોનાની રસીને લઈને મદદની માંગણી કરી છે.

ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના વાયરસની મુશ્કેલી સામે લડી રહ્યાં છે. કોરોના મહામારી વચ્ચે ભારતે સતત પડોશી દેશોને મદદ કરી છે અને તબીબી ઉપકરણો પણ પુરા પાડ્યા છે. બીજી તરફ બાંગ્લાદેશે રસીકરણ માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. પરંતુ સીરમ ઇન્સ્ટીટયુટના સીઈઓ દ્વારા વેક્સિનના નિકાસ પર પ્રતિબંધ મૂક્યાનું જણાવાતા પડોશી દેશો ભારતનો સંપર્ક કરી રહ્યાં છે.

બાંગ્લાદેશના વિદેશમંત્રીએ કહ્યું કે અમે ભારત સરકારનો સંપર્ક કર્યો છે. પરિસ્થિતિની ટૂંક સમયમાં જાણ થશે. બાંગ્લાદેશના આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, ટૂંક સમયમાં ભારતમાંથી વેક્સિન મળી જશે. નેપાળ સરકારે પણ તાજેતરમાં ભારતને પત્ર લખીને કોરોના વાયરસની રસી મુદ્દે મદદની માંગણી કરી હતી.  ભારતમાં નેપાળના રાજદૂતે પણ કહ્યું છે કે રસીની ઉપલબ્ધતા અંગે ભારત તરફથી વિશ્વાસ પ્રાપ્ત થયો છે. નેપાળને આશા છે કે ટૂંક સમયમાં નેપાળની વેક્સિનની જરૂરિયાતો પૂરી થઈ જશે.