Site icon Revoi.in

પોરબંદરમાં સુદામા મંદિરનો વિકાસ કરાયા બાદ તંત્રના વાંકે પટાગણની હાલત ખંડેર જેવી બની ગઈ

Social Share

પોરબંદરઃ શહેરમાં સુદામાનું મંદિર આવેલું છે. વર્ષ દરમિયાન અનેક પર્યટકો અને યાત્રાળુઓનું આગમન થાય છે અને પ્રવાસીઓ પોરબંદરમાં પ્રવેશતા જ સુદાજીના મંદિરે દર્શનાર્થે આવે છે. એકમાત્ર પોરબંદરમાં આવેલું સુદામાજીના મંદિરના વિકાસ પાછળ લાખો રૂપિયાના ખર્ચા કરવામાં આવતા હોવાના તંત્રના પોકળદાવા વચ્ચે મંદિરના પટાંગણની દયનિય સ્થિતિ બની ગઈ છે. આમ તો મંદિરના પટાંગણમાં નાના ભૂલકાઓને રમવા માટે મનોરંજનના સાધનો, મંદિરના પટાંગણમાં લોન પણ પાથરવામાં આવી હતી. પરંતુ હાલ અહીં લોકોને બેસવા માટે મુકેલ બાકડા, પાથરવામાં આવેલ લોન,  બાળકોના મનોરંજનના સાધનો વગેરે ભંગાર હાલતમાં ફેરવાઇ ગયા છે અને લાઇટિંગ વાળા તથા નવા ફુવારાની સગવડ ઉપલબ્ધ કરાઈ હતી તેની પણ દયનીય સ્થિતિ બની ગઈ છે. ફુવારાઓ બંધ છે તેમજ ચિત્રકારોએ અહીં ચિત્રો બનાવ્યા હતા તે પણ ઝાંખા પડી ગયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદરમાં સુદામાજીનું મંદિર આવેલુ છે. આ ઐતિહાસિક મંદિરને નિહાળવા અને દર્શન કરવા માટે યાત્રિકો આવે છે. સરકાર દ્વારા મંદિરના વિકાસ પાછળ લાખો રૂપિયા અગાઉના સમયમાં વાપરવામાં આવ્યા હતા પરંતુ હાલ જાળવણીના અભાવના કારણે મંદિરના પટાંગણની બદતર સ્થિતિ બની ગઈ છે. અને અહીં ઝાડી ઝાંખરોનું સામ્રાજ્ય સર્જાયું હોવાથી આવતા પર્યટકો પણ સુદામા નગરીની ખરાબ છાપ લઇને જાય છે. મંદિરના પટાંગણમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવે અને સુવિધાઓ વિકસાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સુદામા મંદિરની બહાર રેકડીઓ અને આડેધડ થતા વાહન પાર્કિંગને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. પ્રવાસીઓને ટ્રાફિકની સમસ્યાના કારણે પરેશાની પડે છે. જવાબદાર તંત્રની નિષ્ક્રીયતાના કારણે મુખ્ય દરવાજા પાસે જ ટ્રાફિકના દ્રશ્યો સર્જાતાં હોવાથી રેકડી ધારકો માટે અન્ય સ્થળે વ્યવસ્થા કરવી જરૂરી બની છે અને મંદિરે સિક્યુરિટીની સગવડ ઉપલબ્ધ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. મંદિરના ગેટ પર જ ગંદકીના ગંજ ખડકાયા છે. સાફ-સફાઈના અભાવે અહીં કચરાના ઢગલા પડ્યા છે. પરંતુ જવાબદાર તંત્રની ઘોર બેદરકારીને કારણે મંદિરના ગેટ પર ખડકાયેલા કચરાનો નિકાલ કરાતો નથી. મંદિરના પટાંગણમાં જ શૌચાલય આવેલું છે. અને અહીં શૌચાલયનું ગંદુ પાણી મંદિરના પટાંગણમાં નીકળે છે. જેથી ગંદા પાણીના કારણે ગંદકીનું સામ્રાજય સર્જાયુ છે. અને ઝાડી ઝાંખરોના કારણે જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે. (file photo)