Site icon Revoi.in

ગાઝામાં હોસ્પિટલ બાદ હવે સ્કૂલમાંથી ઝડપાયા માનવતાના દુશ્મન હમાસના મારક હથિયારો

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન આતંકવાદી સંગઠન હમાસે જાહેર સેવા કેન્દ્રો એટલે કે હોસ્પિટલો અને સ્કૂલને આતંકવાદનો અડ્ડો બનાવી દીધા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ એક હોસ્પિટલમાંથી ઈઝરાયલની સેનાએ હમાસના મારક હથિયારો જપ્ત કર્યાં હતા. જેનો વીડિયો પણ જાહેર કર્યો હતો. હવે હમાસનો વધુ એક અસલી ચહેરો સામે આવ્યો છે. હમાસે નાના ભૂલકાઓની સ્કૂલમાં હથિયાર છુપાવ્યાનું સામે આવ્યું છે.

ઇઝરાયેલના સુરક્ષા દળોએ આજે ​​સવારે એક નવો વીડિયો જાહેર કર્યો છે. આમાં, રોકેટ લૉન્ચર્સ અને મોર્ટાર શેલને ગાઝામાં નાના બાળકો માટે બનાવવામાં આવેલી શાળાઓ એટલે કે કિન્ડરગાર્ટન્સની અંદર મૂકવામાં આવેલા જોવા મળે છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ અટકવાની શક્યતા દૂર દૂર સુધી દેખાતી નથી. અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ સંઘર્ષ વચ્ચે, સંયુક્ત રાષ્ટ્ર અને પેલેસ્ટાઈન સરકાર ગાઝા પટ્ટીમાં માનવીય સંકટને ટાંકીને ઈઝરાયેલ પર હુમલો ન કરવા માટે સતત દબાણ કરી રહી છે. બીજી તરફ, ઈઝરાયેલની સેનાનું માનવું છે કે, હમાસના આતંકવાદીઓ ગાઝા પટ્ટીમાં સ્થિત શાળાઓ, હોસ્પિટલો અને નાગરિકોની વચ્ચે છુપાયેલા છે.

ઇઝરાયેલી દળોએ આજે ​​સવારે એક વિડિયો બહાર પાડ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, IDF સૈનિકોને ઉત્તર ગાઝામાં કિન્ડરગાર્ટન અને એક પ્રાથમિક શાળાની અંદર આરપીજી, મોર્ટાર શેલ અને અન્ય શસ્ત્રો મળ્યા છે. સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે ,કે કિન્ડરગાર્ટન્સમાં રમકડાં રાખવા જોઈએ, ઘાતક શસ્ત્રો નહીં. ઉપરાંત, અન્ય પોસ્ટમાં, રોકેટ લોન્ચર અને દારૂગોળો જોવા મળે છે, જે તેમણે શાળામાંથી જપ્ત કર્યા છે. ગાઝાની હોસ્પિટલો પણ લડાઈનું નવું કેન્દ્ર બની ગઈ છે. સેંકડો દર્દીઓ અને હજારો અન્ય લોકો અહીં આશ્રય લઈ રહ્યા છે. ઇઝરાયેલે હમાસ પર નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાનો અને શાળાઓ અને હોસ્પિટલોનો ઉપયોગ છુપાવાનો આરોપ મૂક્યો છે.