Site icon Revoi.in

બ્રિટિશ વડાપ્રધાનની ભારત મુલાકાત રદ થયા બાદ હવે આ દેશના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન બનશે

Social Share

દિલ્લી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કોરોનાના નવા સ્ટ્રેઇનના વધતા પ્રકોપને કારણે તેમનો ભારત પ્રવાસ રદ કર્યો હતો. બોરીસ જોનસન આ વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્ય અતિથિ હતા. હવે, તેની જગ્યાએ સુરીનામના ભારતીય મૂળના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી 26 જાન્યુઆરીએ મુખ્ય અતિથિ રહેશે.

રિપોર્ટ મુજબ,ભારત સરકાર તરફથી સુરીનામના રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેને તેમણે સ્વીકાર્યું છે. સંતોખીએ 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ દરમિયાન ડિજિટલ માધ્યમ દ્વારા કાર્યક્રમને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સુરીનામથી ભારત આવતા મુસાફરો માટે વિઝા પરમિટ રદ કરીને સુરીનામ આ દિશામાં પહેલું પગલું ભરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, બંને દેશો વચ્ચે વેપાર અને પર્યટન ક્ષેત્રે સહયોગ વધવાની સંભાવના છે.

સંતોકીએ જુલાઈ 2020માં સુરીનામના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમની પ્રગતિશીલ સુધાર પાર્ટી ચૂંટણી જીતી ગઈ અને આ સાથે ડેસી વોટર્સની સરમુખત્યારશાહીનો યુગ પૂરો થયો. રસપ્રદ વાત એ છે કે, ભારત-સુરીનામ સમુદાયના પ્રતિનિધિત્વને કારણે આ પક્ષ અગાઉ યુનાઇટેડ હિન્દુસ્તાની પાર્ટી તરીકે ઓળખાતો હતો.

આ અગાઉ બ્રિટનના વડાપ્રધાન પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતની મુલાકાતે આવવાના હતા. ગયા અઠવાડિયે વડાપ્રધાન બોરીસ જોનસને વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી અને ભારત ન જઇ શકવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન સાથે વાત કરતાં જોનસને કહ્યું કે, બ્રિટનમાં નવા કોરોના વાયરસનો સ્ટ્રેઇન જે ગતિથી ફેલાઈ રહ્યો છે, તે માટે બ્રિટનમાં રહેવું ખૂબ જ જરૂરી છે.

-દેવાંશી