Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન આડેધડ ખર્ચામાં કાપ નહીં મુકે તો આર્થિક સમસ્યાનો સામનો કરવો પડશે

Social Share

અમદાવાદઃ  શહેરમાં ભાજપ શાસિત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કહેવાતા આડેધડ ખર્ચાને કારણે મ્યુનિ.ની તિજોરી તળિયા ઝાટક થઈ રહી છે. મ્યુનિ.ને પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનું અનુદાન મળતુ હોવા છતાં મ્યુનિ,ની આર્થિક હાલત ડામાડોળ થઈ રહી છે.  નાણાંના અભાવે મનપાએ ઘણા પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ કરી શકતી ન હોવાની પણ ચર્ચા છે. અટકી પડેલા કેટલાક પ્રોજેક્ટ આ વાતને સમર્થન આપે છે. જો કે સત્તાધિશો આર્થિક ભીડને સ્વીકારવા તૈયાર નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ રૂપિયા 9 હજાર કરોડનું વાર્ષિક બજેટ ધરાવતી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન આર્થિક ભીંસનો સામનો કરી રહી છે. નાણાકીય વર્ષ હજુ પૂર્ણ નથી થતું, તે પહેલા મ્યુનિ. કોર્પોરેશન આર્થિક ખેંચમાં હોવાનું કહેવાયછે.  નાણાંના અભાવે AMCના કેટલાક પ્રોજેક્ટ પણ અટવાયા છે. કોન્ટ્રાક્ટરોને અંદાજે 300 કરોડથી વધુની ચૂકવણી બાકી છે. પેમેન્ટ ન થતા કોન્ટ્રાક્ટરોએ પણ કામ અધૂરા મૂકી દીધા હોવાની ચર્ચા છે. કોન્ટ્રાક્ટરોએ પેમેન્ટ મળ્યા બાદ જ કામ કરવાની સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. જેના પગલે નાના કોન્ટ્રાક્ટરોના અમુક પેમેન્ટ તો થઈ ગયા છે, પણ મોટા કોન્ટ્રાક્ટરોને હાલ કોઈ પેમેન્ટ નહીં મળે એવું કહી દેવાયું છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ મ્યુનિ,ના સત્તાધિશોએ આર્થિક ખેંચ હોવાનો ઈનકાર કર્યો હતો. જ્યારે મ્યુનિના એક અધિકારીએ કહ્યું હતું કે, શહેરમાં વિકાસના કામોના નામે આડેધડ ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે. અવિચારી ખર્ચાઓ ચાલુ જ રહેશે તો વધુ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડશે.