Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન 45000 ફેરિયાને 50 હજારની વગર વ્યાજે લોન આપશે

Social Share

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારના સંપૂર્ણ આર્થિક સહયોગથી આશરે 45000 ફેરિયાને રૂપિયા 50 હજારની વગર વ્યાજે લોન આપવામાં આવશે. શહેરમાં રોડના ફુટપાથ પર અનેક ફેરિયાઓ તેમજ લારી-ગલ્લાઓવાળા મહેનત કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હોય છે. મ્યુનિ. દ્વારા આ  લોનરૂપી સહાયથી તેમને લાભ થશે. અને પોતાના વ્યવસાયને વધારી શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં લાખો ફેરિયાઓ, લારી-ગલ્લાઓ રોજીરોટી રળી રહ્યા છે. આ શ્રમજીવીઓને ધંધો કરવા માટે મ્યુનિ.ના કર્મચારીઓને તથા પોલીસ કર્મચારીઓને પણ હપતા આપવા પડતા હોય છે. છતાં પણ તંત્રનો ડર રહેતો હોય છે. પરંતુ મ્યુનિ. દ્વારા  સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ પણ કરાતો નથી.  શહેરમાં મનફાવે ત્યાંથી ફેરિયાઓને હટાવી દેવામાં આવે છે. શહેરમાં ફેરિયાઓને ક્યા ધંધો કરવો તે હજુ સુધી મ્યુનિ.ના સત્તાધિશો  નક્કી કરી શક્યા નથી. બીજીબાજુ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 45 હજાર ફેરિયાઓને સહાય આપવાની કાર્યવાહી શરૂ કરી છે. આ અંગેના પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. એમાં જણાવાયું છે.કે, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા કોવિડ-19થી અસરગ્રસ્ત શેરી ફેરિયાઓને તેઓની આજીવિકા માટે તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી ફેરિયાઓને વર્કિંગ કેપિટલ લોન આપવા પી.એમ. સ્વનિધિ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિમાં 100 ટકા કેન્દ્ર સરકાર પુરુસ્કૃત યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના દ્વારા શહેર બહારથી આવતા તમામ ફેરિયાઓને આવરી લઇ યોજનાનો લાભ આપવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, એએમસી દ્વારા આ યોજનામાં રૂ.10 હજાર, રૂ.20 હજાર અને રૂ.50 હજાર સુધીની વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવશે. જેમાં જી.યુ.એલ.એમ. ગાંધીનગર મારફતે મ્યુનિ. દ્વારા આપવામાં આવેલા વેન્ડર કાર્ડ, આધાર કાર્ડ તેમજ અરજદારના બેંક ખાતાની વિગતો અપલોડ કરી અરજી કરવાની રહેશે. અને આ અરજી 31મી મે સુધી કરવાની રહેશે. આ માટે 45 હજાર ફેરિયાઓનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે અને લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે વોર્ડ સબ ઇન્સ્પેક્ટર તથા ઇન્સ્પેક્ટરની જવાબદારી રહેશે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે મ્યુનિ. કમિશનરે એક ટીમની જાહેરાત કરી છે જેમાં તમામ ઝોનના ડે.મ્યુનિ. કમિશનરને પણ જવાબદારી સોપવામાં આવી છે. ઝોનદીઠ ફાળવાયેલા ક્વોટા મુજબ મધ્ય ઝોનમાં 7000 તથા પશ્ચિમ ઝોનમાં 8000, ઉત્તર ઝોનમાં 6000, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 6000, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 5000, પૂર્વ ઝોનમાં 6000 અને દક્ષિણ ઝોનમાં 7000 મળી કુલ 45000 ફેરિયાઓને લોન આપવામાં આવશે.