Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન હવે પાંચ માધ્યમિક શાળાનું સંચાલન સ્કુલ બોર્ડને સોંપશે

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને હવે શહેરની પાંચ જેટલી માધ્યમિક શાળાઓનો વહિવટ સોંપવામાં આવશે. અને ભવિષ્યમાં જરૂર મુજબ નવી માધ્યમિક શાળાઓ પણ શરૂ કરવામાં આવશે. અમદાવાદમાં એએમસીના અધિકારીઓ સંચાલિત પાંચ માધ્યમિક શાળો ચાલી રહી છે. આ પાંચ શાળાઓ એએમસીના સ્કૂલ બોર્ડ હસ્તક કરવા ભલામણ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની પ્રાથમિક શિક્ષણ આપતી શાળાઓના વિદ્યાર્થીઓને મ્યુનિ.ની જ હાયર સેકન્ડરી સ્કૂલમાં ભણવાની તક મળી રહે તે માટે માધ્યમિક શાળાઓનું સંચાલન સ્કૂલ બોર્ડને સોંપવા માટે સ્ટે.કમિટી દ્વારા તંત્રને સૂચના આપી હતી. સ્ટે.કમિટીની બેઠક બાદ ચેરમેન હિતેષ બારોટે જણાવ્યું હતું કે, મ્યુનિ. શાળાઓમાં ધો.8 સુધી અભ્યાસ કરનારા બાળકો પૈકી મોટાભાગનાને ખાનગી શાળાઓમાં જલદી પ્રવેશ મળતો નથી. તેથી બાળકો ભણવાનું છોડી દે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મ્યુનિ.ની જ પાંચ જેટલી હાયર સેકન્ડરી સ્કૂલો છે તેને સ્કૂલ બોર્ડમાં મર્જ કરી દેવામાં આવે તો ધો.8 સુધી ભણનારા બાળકો માધ્યમિક શાળાઓમાં પ્રવેશ મેળવીને ધો. 12 સુધી ભણી શકશે. તેનાથી ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટી જશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  હાલમાં પાંચ માધ્યમિક શાળાઓના સંચાલન માટે મ્યુનિ.તંત્રની અલગ કમિટી છે અને એક હજાર જેટલાં વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. જો આ માધ્યમિક શાળાઓ સ્કૂલ બોર્ડને સોંપવામાં આવે તો માધ્યમિક શાળા અને વર્ગખંડની સંખ્યા વધી શકે તેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કૂલ બોર્ડ પાસે છે. શહેરમાં હાલ રખિયાલ ઉર્દૂ શાળા,   બાપુનગર હિન્દી શાળા, મ્યુનસિપલ ગર્લ્સ શાળા ખમાસા, અને અસારવા માધ્યમિક શાળા, મણિનગર માધ્યમિક શાળા (ખોખરા)નો વહિવટ એએમસીના અધિકારીઓ કરી રહ્યા છે. જે હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક મુકાશે.

એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટે  વધુમાં જણાવ્યુ હતુ કે, અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત સ્કૂલ બોર્ડમાં આજે 459 સ્કૂલમાં દોઢ લાખથી વધુ બાળકો ભણી રહ્યા છે. પરંતુ વર્ષોથી અમદાવાદ મહાનગર પાલિકા હસ્તકની પાંચ માધ્યમિક શાળાઓ પણ ચાલી રહી છે. જે માધ્યમિક શાળાઓ દરેક ઝોન દીઠ બનાવવા એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં વિચારણા કરવામાં આવી છે અને પાંચ માધ્યમિક શાળા એએમસી હસ્તક લેવાની કમિશનરને ભલામણ કરવામાં આવી છે.

Exit mobile version