બેંગ્લોરઃ કેરળના કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે સવારે એક મોટી વિમાની દુર્ઘટના ટળી હતી. જેદ્દાહથી કોઝિકોડ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેનું કોચી ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ 160 મુસાફરો સુરક્ષિત હોવાનું એરપોર્ટ સત્તાધીશોએ જણાવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે વિમાન હવામાં હતું ત્યારે પાયલટને લેન્ડિંગ ગિયરમાં ગંભીર ખામી હોવાનો અહેસાસ થયો હતો. પાયલટે સમયસૂચકતા વાપરી તુરંત જ કોચી એરપોર્ટ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો અને ઈમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી હતી. જોખમની ગંભીરતાને જોતા એરપોર્ટ પર તાત્કાલિક ધોરણે ‘ઈમરજન્સી પ્રોટોકોલ’ એક્ટિવ કરી દેવામાં આવ્યો હતો.
સવારે અંદાજે 9;07 કલાકે વિમાને રનવે પર સ્પર્શ કર્યો ત્યારે તેના બે ટાયર ફાટી ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. એરપોર્ટ પર અગાઉથી જ ફાયર બ્રિગેડ, રેસ્ક્યુ ટીમ અને મેડિકલ સ્ટાફને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા હતા. પાયલટના કુશળ નેતૃત્વને કારણે વિમાન સુરક્ષિત રીતે રનવે પર સ્થિર થયું હતું અને કોઈ જાનહાનિ થઈ ન હતી.
કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના અધિકારીઓએ જણાવ્યું કે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ટર્મિનલ લાઉન્જમાં ખસેડવામાં આવ્યા છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન કોઝિકોડ સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક ફ્લાઈટ અથવા રોડ માર્ગે બસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોચીથી કોઝિકોડ અંદાજે 7 કલાકનો રસ્તો હોવાથી એરલાઇન દ્વારા મુસાફરો માટે નાસ્તા અને રહેવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.

