અંબાલા, 1 જાન્યુઆરી 2026: હરિયાણાના મહત્વના રેલવે જંકશન પૈકીના એક એવા અંબાલા છાવણી (કેન્ટ) રેલવે સ્ટેશનને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. મોડી રાત્રે એક અજ્ઞાત ફોન કોલ દ્વારા મળેલી આ ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને સમગ્ર સ્ટેશન પરિસરમાં કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડી રાત્રે પોલીસ કંટ્રોલ રૂમ અથવા રેલવે હેલ્પલાઇન પર એક અજ્ઞાત શખ્સનો ફોન આવ્યો હતો, જેમાં અંબાલા કેન્ટ સ્ટેશનને વિસ્ફોટથી ઉડાવી દેવાની ચેતવણી આપવામાં આવી હતી. આ માહિતી મળતા જ રેલવે સુરક્ષા દળ (RPF) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) ની ટીમો એલર્ટ થઈ ગઈ હતી.
- ડોગ સ્ક્વોડ અને બોમ્બ નિરોધક દસ્તા દ્વારા તપાસ
ઘટનાની ગંભીરતાને જોતા તુરંત જ ડોગ સ્ક્વોડ અને સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. સુરક્ષા કર્મીઓએ સ્ટેશનના તમામ પ્લેટફોર્મ અને વેઇટિંગ રૂમની તપાસ કરી હતી. આ ઉપરાંત પાર્કિંગ એરિયામાં ઉભેલા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તેમજ સ્ટેશન પર ઉભેલી ટ્રેનો અને મુસાફરોના સામાનની બારીકાઈથી તલાશી લીધી હતી.
કલાકો સુધી ચાલેલા આ વ્યાપક સર્ચ ઓપરેશન બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જેનાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, સાવચેતીના ભાગરૂપે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, જે નંબર પરથી ધમકીભર્યો કોલ આવ્યો હતો તેની લોકેશન ટ્રેસ કરવામાં આવી રહી છે. જીઆરપી (GRP) અને આરપીએફ (RPF) ની સંયુક્ત ટીમો ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને પકડવા માટે તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની ટીખળ હોઈ શકે છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.
આ પણ વાંચોઃ 2026ના નૂતન વર્ષના પ્રથમ દિને તમામ મંદિરોમાં દર્શન માટે લોકો ઉમટી પડ્યાં

