Site icon Revoi.in

AMCનો કર્મચારી પાણીનું ગેરકાયદે જોડાણ આપવા માટે રૂ. 20 હજારની લાંચ લેતા પકડાયો

Social Share

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં અધિકારીઓથી લઈને નાના કર્મચારીઓની ભ્રષ્ટાચારની ફરીયાદો અવાર-નવાર ઊઠતી હોય છે. સામાન્ય કામમાં પણ નાગરિકોને એએમસીના કર્મચારીઓ ધક્કા ખવડાવતા હોય છે. જેમાં કેટલાક કર્મચારીઓ રૂપિયા લઈને ગેરકાયદે પાણીના જોડાણો આપી દેતા હોય છે. એએમસીના પશ્ચિમ ઝોનમાં ઇજનેર વિભાગમાં ફરજ બજાવતા વર્ગ ચારના કર્મચારીએ પાણીની પાઇપલાઇનનું ગેરકાયદેસર જોડાણ કરી આપવા માટે રૂ.25,000ની માગણી કરી હતી. ગેરકાયદેસર જોડાણ કરવા માટે વર્ગ-4ના કર્મચારી  દ્વારા લાંચની માગણી કરવામાં આવતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકું ગોઠવી અને કોર્પોરેશનના ઈજનેર વિભાગના વર્ગ-4ના કર્મચારીને  20 હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધો હતો.

સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલા કલેક્ટર ઓફિસની બાજુમાં બત્રીસી હોલ દ્વારા પાણીની નવી પાઈપલાઈન લેવા માટે અરજી કરવામાં આવી હતી. જેથી ઇજનેર વિભાગ દ્વારા પાણીની નવી પાઈપલાઈનનુ ખોદકામ શરૂ કર્યું હતું. કામ ચાલતુ હોય હોલની બાજુમાં રહેતા વ્યક્તિએ પોતાના મકાનની પાણીની પાઈપલાઈન નાખવા માટે ઇજનેર વિભાગમાં સ્ટેડિયમ વોર્ડમાં લેબર તરીકે ફરજ બજાવતા હેમરાજ દાફડા (રહે. પંચશ્લોક હોમ્સ,ત્રાગડ રોડ,ચાંદખેડા) સાથે બત્રીસી હોલની પાણીની પાઈપલાઈન સાથે તેઓની પાણીની પાઇપલાઈનનુ ગેરકાયદેસર રીતે જોડાણ કરી આપવાની વાત કરી હતી. દરમિયાન પાણીની પાઈપલાઈનનું ગેરકાયદેસર જોડાણ કરવા માટે એએમસીના વર્ગ-4ના કર્મચારી હેમરાજએ રૂ.25000ની લાંચની માગણી કરી હતી. રકઝકના અંતે રૂ.20,000 નક્કી કર્યા હતા. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી ફરિયાદીએ  એસીબીનો સંપર્ક કર્યો હતો. આથી એસીબીએ લાંચનુ છટકું ગોઠવ્યું હતું અને રકઝકના અંતે નક્કી થયેલી લાંચની રકમ રૂ.20,000 લેતા  એએમસીના વર્ગ-4ના કર્મચારીને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો.