Site icon Revoi.in

અમદાવાદમાં રખડતા કુતરાની વસતી ઘટાડવા માટે AMCએ એક્શન પ્લાન બનાવી કાર્યવાહી કરશે

Social Share

અમદાવાદઃ શહેરમાં રખડતા કૂતરાની વસતી જાય છે. સાથે ડોગ બાઈટના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાની વસતીને નિયંત્રણમાં કરવા માટે એક્શન પ્લાન બનાવી યોગ્ય કામગીરી કરવામાં આવશે. શહેરના રખડતા કૂતરાઓને હડકવા વિરોધી રસી લગાવી કૂતરાઓની વસ્તી નિયંત્રિત કરવા માટે સર્વેલન્સ હાથ ઘરવામાં આવશે. તેના માટે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં 14 લોકોની મોનિટરિંગ કમિટી બનાવવામાં આવી છે. વર્ષ 2030 સુધીમાં શહેરમાં કૂતરાઓની વસ્તી એકદમ ઓછી થઈ જાય તે રીતનું આયોજન કરવામાં આવશે..

શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધી રહ્યો છે. મ્યુનિ દ્વારા કૂતરાના ખસીકરણ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાંયે કૂતરાની વસતીમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૂતરાની વસતીને નિયંત્રણમાં લેવા માટે માસ્ટર પ્લાન બનાવવામાં આવશે. જેમાં કૂતરાનું ખસીકરણ-રસીકરણ, ડોગબાઈટ કેસોનું એનાલિસીસ, કરડતા તથા વિચિત્ર વર્તન કરતા કૂતરાઓ વિશે સંશોધન કરવામાં આવશે. રખડતા કૂતરાઓ અંગે વિવિધ પ્રકારની જાગૃતિ અને નાગરિકોનો સહકાર મેળવી કામગીરી થશે.

​​​​​​​સૂત્રોના કહેવા મુજબ શહેરમાં એએમસી દ્વારા કુતરાઓ બાબતે તબક્કાવાર કામગીરી કરવામાં આવશે, જેમાં કૂતરાઓમાં થતા બદલાવ અને તેમની કરડવા અંગેની તમામ બાબતો પર સંશોધન કરવામાં આવશે. શહેરમાં કૂતરાઓની વસ્તીની ગણતરી કરવામાં આવશે. કૂતરાઓના રજીસ્ટ્રેશન કરાવવા અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. કૂતરાઓની વધતી જતી વસ્તીને કંટ્રોલમાં કેવી રીતે લાવી શકાય? તેના માટે કામગીરી થશે. કૂતરાઓની કુલ વસ્તીના 70 ટકાનું રસીકરણ પૂર્ણ કરવામાં આવશે તેમજ હડકવા નિયંત્રણ માટે પ્રવૃત્તિ કરવામાં આવશે.