Site icon Revoi.in

AMCના ટેક્સ ઈન્સ્પેકટરો સ્થળ પર જઈને હવે મિલકતોની આકારણી વેલ્યુએશન એપ, દ્વારા કરશે

Social Share

અમદાવાદઃ શહેરમાં વસતિ સાથે વિસ્તારમાં પણ વધારો થઈ રહ્યો છે. નવા બિલ્ડિંગો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે નવા મકાનોની જે તે વિસ્તારની જંત્રી અને મકાનનો સ્વેરફુટ પ્રમાણે કેટલો એરિયા છે. તે મુજબ એએમસી દ્વારા ટેક્સની આકારણી કરવામાં આવતી હોય છે. હવે  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સ આકારણીમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. પ્રોપર્ટી ટેક્સ દ્વારા મિલકતોની આકારણી હવે વેલ્યુએશન એપ મારફતે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેલ્યુએશન એપ તૈયાર કરવામાં આવી રહી છે. જે આગામી બે મહિનામાં તૈયાર થઈ જશે, ત્યાર બાદ ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટરો સ્થળ ઉપર જઈને વેલ્યુએશન એપ મારફતે જ ઓનલાઈન એન્ટ્રી કરી અને ઓનલાઇન એપથી આકારણી કરશે. જેના પગલે ઝડપી અને સમયની બચત તેમજ પારદર્શિતા સાથે કામગીરી થશે.

અમદાવાદ મ્યુનિ.ના રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, પ્રોપર્ટી ટેક્સ ખાતા દ્વારા મિલકતોની વેલ્યુએશનની કામગીરી પણ ઓનલાઈન માધ્યમથી થઈ કે તે હેતુથી ઇ-ગવર્નન્સ ખાતા મારફતે એક મોબાઈલ એપ બનાવવાની યોજના અમલમાં આવી છે. સદર મોબાઇલ એપ જે-તે વોર્ડ ઇન્સ્પેક્ટરના મોબાઇલમાં ખુલશે. જેના માટે કેટલાક ફિચર્સ નક્કી કર્યા છે. વેલ્યુએશન એપમાં વોર્ડ ઈન્સ્પેક્ટર પોતાના વોર્ડની મિલકતોની તમામ વિગતો મકાન માલિકનું નામ, કબ્જેદારનું નામ, સરનામું, ક્ષેત્રફળ, બાંધકામનું વર્ષ, ઉપયોગનો પ્રકાર તેમજ ભોગવટો વગેરે જોઈ શકાશે. જે પરિબળમાં સુધારો થતો હોય ફક્ત તે જ પરિબળ એડિટ કરી શકે તેવી ફેસિલિટી હશે. સ્થળનો ફોટોગ્રાફ પણ અપલોડ થશે. જેના કારણે ખરેખર પરિસ્થિતિ છે, તે સ્પષ્ટ થશે. પ્રોપર્ટીનુ GPS લોકેશન મોબાઈલ એપ પરથી એક્સેસ કરી શકાશે અને મિલકતની લોકેશનની માહિતી ઉપલબ્ધ થશે. જે ક્ષેત્રફળ અથવા પરિબળમાં ફેરફાર થાય તે એક ક્લીકથી એડિટ થશે અને તેના ફોટોગ્રાફ અપલોડ કરી શકાશે. જેના કારણે સંપૂર્ણ પારદર્શિતા આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિ.ના  પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા વેલ્યુએશનની કામગીરી દરમિયાન GPS લોકેશન ઉપલબ્ધ હશે જેથી ટેક્સ ઇન્સ્પેક્ટર ફક્ત તે લોકેશન પરથી ટેનામેન્ટ નંબરની એન્ટ્રી કરી શકશે તેમજ તે સિવાય અન્ય લોકેશન પરથી એન્ટ્રી કરી શકશે નહિ. આ ઉપરાંત વોર્ડ ઈન્સપેક્ટર કયાં લોકેશન પર કઇ તારીખે ગયેલા છે તેની વિગત ઉપરી અધિકારી પાસે રહેશે અને તેઓ રીઅલ ટાઇમમાં ચકાસણી કરી શકશે. આખા વર્ષ દરમિયાન થતી કામગીરી હવે ફક્ત 75થી 90 દિવસમાં પૂર્ણ થશે. તેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીના મેન-અવર્સમાં ઘટાડો થશે.

તેમણે ઉમેર્યુ હતું કે, પ્રોપર્ટી ટેક્સના સ્ટાફને સૌ પ્રથમ ટ્રેનીંગ આપવામાં આવશે અને ત્યારપછી આ પ્રક્રિયાનો અમલ થશે. વેલ્યુએશન એપ મારફતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેશનરીના ખર્ચમાં બચત થશે અને સંપૂર્ણ ટ્રાન્સપરન્સી આવશે. જે તે ઝોનના બીલો ઝડપથી આપી શકાશે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં વધારો થશે.