Site icon Revoi.in

અમદાવાદમાં AMCની ટેક્સની 2022-23ના વર્ષની આવક 1909 કરોડે પહોંચી,

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા એક દાયકામાં વસતી સાથે વિસ્તારમાં વધારો થયો છે, જેમાં છેલ્લા બે વર્ષમાં પરપ્રાંતમાંથી તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અનેક લોકો રોજગાર-ધંધા માટે અમદાવાદ શહેરમાં વસવાટ કર્યો છે. એટલે શહેરના સીમાડાની બહાર પણ હાઉસિંગ કોલોનીઓ ઊભી થઈ ગઈ છે. મકાનો વધતા મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની આવકમાં ખાસ્સો વધારો થયો છે. ઉપરાંત વાહનો વધતા વ્હીકલ ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સની આવકમાં પણ વધારો થયો છે. અને વર્ષ 2022-23માં એએમસીના આવક 1909 કરોડે પહોંચી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની આવકનો સૌથી મોટો સ્ત્રોત ટેક્સ છે. ત્યારે વર્ષ 2022-23ના નાણાકીય વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સની કુલ આવક રૂપિયા 1909 કરોડ થઈ છે. ગત વર્ષ કરતાં 356 કરોડની વધુ આવક થઈ છે. 100 ટકા વ્યાજ માફી સહિત અલગ અલગ સ્કીમો તેમજ સઘન રિકવરી ઝુંબેશના પગલે આવકમાં ખાસ્સો વધારો થયો છે. કુલ ટેક્સની આવકમાં છેલ્લા બે વર્ષમાં 500 કરોડથી પણ વધુ વધારો એટલે કે 38 ટકાથી પણ વધુ વધારો થયો છે. 100 ટકા વ્યાજ માફીની સ્કીમને સારો પ્રતિસાદ મળતા આગામી 30 એપ્રિલ સુધી એટલે કે એક માસ સુધી આ સ્કીમને વધુ લંબાવવામાં આવી છે.

મ્યુનિ.ની રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રોપર્ટી ટેકસની આવક મુખ્ય છે. ચાલુ નાણાંકીય વર્ષ 2022-23માં પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ તથા વ્હીકલ ટેક્સ મળી કુલ રૂપિયા 1909 કરોડ થઈ છે. જે ગત વર્ષની કુલ આવક રૂપિયા 1553 કરોડ કરતાં રૂપિયા 356 કરોડ જેટલો વધારો થયો છે. ફકત 31 માર્ચ 2023ના રોજ પ્રોપર્ટી ટેક્સની આવક રૂપિયા 73.52 કરોડ થઈ છે. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ ખાતાની અભૂતપૂર્વ સિધ્ધિ છે. ચાલુ વર્ષે ટેક્સ રીકવરીની ઝુંબેશ અંતર્ગત આશરે 1.18 લાખ જેટલી મિલકતોને સીલ મારવામાં આવ્યા હતા.

તેમણે ઉમેર્યુ હતું કે, ચાલુ વર્ષ પૂરતી જ જૂના બાકી ટેક્સ ઉપર ચઢેલા વ્યાજની રકમ બાકી હોય તેવા લોકો માટે 20 વર્ષ બાદ “One Time Settlement” જેવી યોજના 14 ફેબ્રુઆરી 2023થી 31 માર્ચ 2023 સુધી માત્ર 45 દિવસ માટે શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત કોઇપણ રહેણાંક તથા બિન રહેણાંક ટેક્સ ધારક વર્ષ 2022-23 સુધીનો સંપૂર્ણ ટેક્સ ભરપાઇ કરે તો તેવી તમામ મિલકતોને સુધીના જૂની ફોર્મ્યુલા તથા નવી ફોર્મ્યુલાની વ્યાજની રકમમાં 100 ટકા ઇન્સેન્ટીવ રીબેટ આપવામાં આવી હતી. આ યોજનાને સારો પ્રતિસાદ મળતા 30 એપ્રિલ સુધી એટલે કે એક મહિનો વધુ લંબાવવામાં આવી છે.