દિલ્હીઃ કેનેડા બાદ હવે અમેરિકાએ પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમેરિકાએ બાંગ્લાદેશ માટે ‘લેવલ-2’ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે અને તેના નાગરિકોને એશિયન રાષ્ટ્રની યાત્રા કરતી વખતે સાવચેતી રાખવા વિનંતી કરી છે.
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર, “જાન્યુઆરી 2024 પહેલા સામાન્ય ચૂંટણીઓ થવાની સંભાવના છે અને રાજકીય પક્ષોએ રેલીઓ અને અન્ય ચૂંટણી પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી છે.” જેમ જેમ સામાન્ય ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી રેલીઓની ગતિ વધશે અને દેખાવો પણ થઈ શકે છે.” એડવાઈઝરી મુજબ બાંગ્લાદેશ જનારા પ્રવાસીઓએ સાવચેતી રાખવી જોઈએ. શાંતિપૂર્ણ દેખાતા પ્રદર્શનો કોઈપણ સમયે સંઘર્ષ અને હિંસામાં ફેરવાઈ શકે છે.
યુ.એસ.એ ચટગાંવ હિલ ટ્રેક્ટમાં મુસાફરી કરી રહેલા તેના નાગરિકોને કોમી હિંસા, ગુનાખોરી, આતંકવાદ, અપહરણ અને અન્ય સુરક્ષા જોખમોને કારણે તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્રવાસીઓએ ભીડવાળા વિસ્તારોની મુલાકાત લેતી વખતે પિકપોકેટીંગ જેવા નાના ગુનાઓ સામે સતર્ક રહેવું જોઈએ.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે, સમયાંતરે અપરાધ, આતંકવાદ, અપહરણ અને તાજેતરની ઘટનાઓ સંબંધિત માહિતીની સમીક્ષા કર્યા બાદ, ફરીથી એક એડવાઇઝરી જારી કરી છે, જેમાં તેણે તેના નાગરિકોને બાંગ્લાદેશમાં વધુ સાવચેતી રાખવા વિનંતી કરી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અપરાધ, આતંકવાદ અને આગામી સામાન્ય ચૂંટણીઓને કારણે કેટલાક વિસ્તારોમાં ખતરો વધી ગયો છે.

