નવી દિલ્હી: દિલ્હી-એનસીઆર (NCR) માં વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને જોતા દિલ્હી સરકારે અસરગ્રસ્ત મજૂરો માટે આર્થિક પેકેજની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ નિયંત્રણ માટે ‘ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન’ (GRAP) નો ચોથો તબક્કો અમલી હોવાથી અનેક કામકાજ ઠપ થયા છે. આ પરિસ્થિતિમાં નોંધાયેલા મજૂરોને રૂ. 10,000 ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
पॉल्यूशन को देखते हुए दिल्ली सरकार के दो बड़े निर्णय :
1. निर्माण कार्य रुकने से प्रभावित सभी रजिस्टर्ड और वेरिफाइड निर्माण मजदूरों के खातों में ₹ 10,000 DBT होंगे
2. दिल्ली के सभी सरकारी व प्राइवेट दफ्तरों में 50% वर्क फ्रॉम होम मैंडेटरी, स्वास्थ्य जैसी आवश्यक सेवाओं के लिए… pic.twitter.com/Lh3DNeItdt
— Kapil Mishra (@KapilMishra_IND) December 17, 2025
દિલ્હીના મંત્રી કપિલ મિશ્રાએ આ અંગે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “GRAP-4 લાગુ હોવાને કારણે બાંધકામ સહિતની પ્રવૃત્તિઓ બંધ છે, જેના કારણે મજૂરોની મુશ્કેલીઓ વધી છે. સરકાર તેમની પીડા સમજે છે અને તેથી જ નોંધાયેલા મજૂરોને રૂ. 10,000 ની આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે.” આ પગલાનો ઉદ્દેશ્ય એવા મજૂરોને રાહત આપવાનો છે જેમના ઘરનું ગુજરાન રોજબરોજની મજૂરી પર નિર્ભર છે.
પ્રદૂષણના ખતરનાક સ્તરને ધ્યાનમાં રાખીને સરકારે માત્ર મજૂરોને સહાય જ નથી આપી, પરંતુ અવરજવર ઘટાડવા માટે પણ કડક પગલાં લીધા છે. તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ (ઘરેથી કામ) ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
‘એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ’ મુજબ, બુધવારે બપોરે દિલ્હીનો વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 326 નોંધાયો હતો, જે હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં હોવાનું સૂચવે છે. શ્વાસ લેવામાં તકલીફ અને ધુમ્મસભર્યા વાતાવરણને કારણે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

