Site icon Revoi.in

બોલીવુડના ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચનને મળ્યો 2018નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ

Social Share

બોલીવુડના શહેનશાહ તરીકે જાણીતા અને મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે પુરષ્કાર મળશે. કેન્દ્ર સરકાર દ્વારા આના સંદર્ભે એલાન કરવામાં આવ્યું છે.

પોતાની દમદાર એક્ટિંગ અને જીવનભર ભારતીય સિનેમાં યોગદાન કરનાર અમિતાભ બચ્ચનને 2018નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આની ઘોષણા કરી છે.

દાદાસાહેબ ફાળકે એવોર્ડને હિંદી સિનેમા જગતનું સૌથી મોટું સમ્માન ગણવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત 1969માં થઈ હતી. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રકાશ જાવડેકરે ટ્વિટર પર ઘોષણા કરતા લખ્યું છે કે લગભગ બે પેઢીઓ સુધી લોકોનું મનોરંજન કરનારા લિજેન્ડ અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આખો દેશ ખુશ છે. અમિતાભ બચ્ચનને મારી શુભકામનાઓ.

અમિતાભ બચ્ચને ફિલ્મ સાત હિંદોસ્તાનીથી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. પરંતુ ફિલ્મ જંજીરથી તેમને સુપરસ્ટારનો દરજ્જો મેળવતા સુધી ઘણો આકરો સંઘર્ષ અને પરિશ્રમ કરવા પડયા હતા. આ ફિલ્મ બાદ તેમણે ક્યારે પાછું વળીને જોયું નથી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં ફિલ્મ ચેહરા અને ગુલાબો-સિતાબોમાં જોવા મળવાના છે. તેની સાથે અમિતાભ બચ્ચનની પહેલી દક્ષિણ ભારતીય ફિલ્મ ‘Sye Raa Narasimha Reddy’ 2 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

બોલીવુડમાં અમિતાભ બચ્ચનને મેગાસ્ટાર અને બિગબીના નામથી ઓળખવામાં આવે છે. તેમની પહેલી ફિલ્મ સાત હિંદુસ્તાની 1969માં પ્રસારીત થઈ હતી અને 1973માં રિલીઝ થયેલી પ્રકાશ મહેરા દ્વારા નિર્દેશિત ફિલ્મ જંજીરથી અમિતાભ બચ્ચને બોક્સ ઓફિસ પર તહેલકો મચાવ્યો હતો. લગભગ બે દશક જેટલા લાંબા સમય સુધી હિંદી ફિલ્મોમાં સૌથી સફળ નાયક તરીકે પોતાનું સ્થાન તેમણે જાળવી રાખ્યું હતું. આ સમયગાળામાં તેમને સુપરસ્ટાર અને મહાનાયક જેવી ઉપાધિ આપવામાં આવી હતી.

એંગ્રી યંગ મેન તરીકેના સફળતાના તબક્કામાં અમિતાભ બચ્ચને પ્રકાશ મેહરા સિવાય મનમોહન દેસાઈ, યશ ચોપડા અને ઋષિકેશ મુખર્જી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

પોતાની કારકિર્દીના બીજા તબક્કામાં તેમણે નવા નિર્દેશક સાથે કામ કર્યું છે. આ દરમિયાન તેમણે બ્લેક અને પા જેવી હટકે ફિલ્મો પણ કરી હતી અને દર્શકોની પ્રશંસા પણ મેળવી હતી.અમિતાભ બચ્ચને ટીવીના નાના પડદા પર પણ નવો ઈતિહાસ રચ્યો હતો. તેઓ વર્ષ 2000થી ગેમ શો કોન બનેગા કરોડપતિને હોસ્ટ કરતા રહ્યા છે.

અમિતાભ બચ્ચન રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને ગતિ પણ આપી ચુક્યા છે.

અમિતાભ બચ્ચનને ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરષ્કાર અને 15 ફિલ્મફેર એવોર્ડ સહીત ઘણાં પુરષ્કારો મળી ચુક્યા છે. 2015માં તેમને પદ્મવિભૂષણથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.

અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર-192ના રોજ થયો હતો. તેમના પિતા ડૉ. હરિવંશરાય બચ્ચન એક પ્રસિદ્ધ કવિ હતા. તેમના માતા તેજી બચ્ચન કરાચી સાથે સંબંધ ધરાવતા હતા.

અમિતાભ બચ્ચનના લગ્ન અભિનેત્રી જયા ભાદુરી સાથે થયા હતા અને જયા બચ્ચન સમાજવાદી પાર્ટીના સાંસદ છે. બંનેના બે સંતાન શ્વેતા નંદા અને અભિષેક બચ્ચન છે. અભિષેક બચ્ચન પણ એક અભિનેતા છે અને તેમના લગ્ન ઐશ્વર્યા રાય સાથે થયા છે.

અભિનય સિવાય અમિતાભ બચ્ચને પ્લેબેક સિંગર, ફિલ્મનિર્માતા, ટીવી પ્રેઝન્ટર અને ભારતીય સાંસદ તરીકે 1984થી 1987 સુધી અલ્હાબાદ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું છે.

અમિતાભ બચ્ચન પોલિયો ઉન્મૂલન અભિયાન બાદ હાલ તમાકુ નિષેધ પરિયોજના પર કામ કરશે. અમિતાભ બચ્ચનને એપ્રિલ-2005 એચઆઈવી-એઈડ્ઝ અને પોલિયો ઉન્મૂલન અભિયાન માટે યુનિસેફ સદભાવના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.